મોરબી રોડ ઉપર હડાળા ગામના ખરાબામાંથી બેફામ ખનિજચોરી
રાજકોટની ભાગોળે મોરબી રોડ ઉપર આવેલ હડાળા ગામના સરકારી ખરાબાની જમીનમાંથી બેફામ ખનીજચોરી થઇ રહી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. છેલ્લા લાંબા સમયથી બેરોકટોક રાત દિવસ ખનીજચોરી ચાલી રહી છે. પરંતુ ખાણ-ખનીજ વિભાગ અને મામલતદાર તંત્ર અંધારામાં હોય તેવી સ્થિતિ સર્જાયેલ છે.
ગામ લોકોનું કહેવું છે કે, હડાળા ગામના સરકારી ખરાબાની જમીનમાંથી ખનીજ માફીયાઓ લાખો ટન ખનીજ કાઢી ગયા છે. મોરબી રોડથી ગામ તરફ જતા માર્ગમાં આવતા 66 કે.વી. સબ સ્ટેશન પાછળના ભાગમાં આવેલી સરકારી જમીનમાંથી 10-10 ફુટ ખાડા જોવા મળે છે અને આજે પણ બેરોકટોક ખનીજ ચોરી ચાલી રહી છે. પરંતુ આજ સુધી એકપણ ખનીજ માફીયા સામે કેસ થયો નથી.
ગ્રામજનોનું કહેવું છે કે, માથાભારે ખનીજ ચોરો સામે ગ્રામજનો નામજોગ ફરીયાદ કરતા ડરી રહ્યા છે. પરંતુ આ અંગે ખાણ-ખનીજ વિભાગની રાજકોટ કે ગાંધીનગર કચેરીએ ફોન કરવામાં આવે તો નામજોગ ફરીયાદ કરવાનું જણાવી દઇ ખનીજચોરી સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ગ્રામજનોના કહેવા મુજબ જો અધિકારીઓ હડાળા ગામમાં 66 કે.વી. સબ સ્ટેશનની બાજુના ખરાબામાં ચેક કરે તો ગમે ત્યારે ખનીજચોરી પકડાય તેમ છે. હાલ ખનીજચોરીના કારણે જમીનમાં મસમોટા ખાડા પડી ગયા છે. તેના આધારે માપણી કરીને પણ ખનીજચોરીની ફરીયાદ નોંધાવાઇ શકે છે. પરંતુ કોઇ સ્થાનિક અધિકારીઓને ખનીજચોરી અટકાવવામાં રસ નથી જયારે વિજીલન્સ ટીમો મોટા ભાગે સુરેન્દ્રનગર જિલ્લામાં જ આંટાફેરા કરી રહી હોવાથી અહીંના ખનીજ ચોરોને મોકળુ મેદાન મળી ગયું છે.