લાઠીમાં શ્રી મહાકાળી નવરાત્રિ નાટક મંડળનો અભૂતપૂર્વ નાટ્યોત્સવ
પંખીડાઓની ચણ માટે સળંગ 10 દિવસ નાટકો રજૂ થશે
અબોલ જીવ એવા ભોળા પંખીડાઓ માટેની ચણ એકત્ર કરવા માટે માં શક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિ મહોત્સવની ઉજવણી વિવિધ નાટકોની પ્રસ્તુતિના માધ્યમથી કરવામાં આવે તે નવાઈપ્રેરક લાગે છે. આ વાત છે અમરેલી જિલ્લાના કલાપીનગર એટલે કે લાઠી ગામની. જ્યાં પરંપરાગત નવરાત્રિ ઉત્સવના ગરબાની સાથોસાથ આશરે દોઢ સૈકા કરતા વધુ સમયથી શ્રી મહાકાળી નવરાત્રિ નાટક મંડળ દવારા નવરાત્રિ દરમ્યાન રોજ ધાર્મિક, સામાજિક, પૌરાણિક અને ઐતિહાસિક નાટકો ભજવવામાં આવી રહ્યા છે.
પંખી પ્રેમની સંવેદનાથી તરબતર એવા મહાન રાજવી કવિ સ્વ. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ યાને કે કવિ કલાપીનાં ધામ એવા લાઠી ગામમાં છેલ્લા 159 વર્ષથી આ અનોખી રીતે ઉજવવામાં આવી રહેલા આ અદભૂત નાટયોત્સવમાં આ વર્ષે તા. 22/09/2025 થી તા. 1/10/2025 દરમ્યાન 10 નાટકો રજુ થનાર છે.
આજથી લગભગ 158 વર્ષો પૂર્વે લાઠી ગામનાં મહાન સંત પૂ. શ્રી વસંતદાસજી બાપુએ સ્થાપેલા શ્રી મહાકાળી નવરાત્રિ નાટક મંડળ દ્વારા આજે પણ આપણી સામાજિક-ધાર્મિક પરંપરા, ભવ્ય ઈતિહાસ, સંસ્કૃતિ અને સમાજ જીવનનું આબેહુબ પ્રતિબિંબ ઝીલતા વૈવિધ્યસભર નાટ્ય પ્રયોગો થકી કલાપીની પક્ષી જગત પ્રત્યેની સંવેદના અને લાગણીને વાચા આપવામાં આવી રહી છે. નાટકો દરમ્યાન રજુ થતી નિર્દોષ અને પારિવારિક એવી કોમેડી નાટિકાઓ લોકોમાં ખુબ જ ચાહના ધરાવે છે. રાજવી કવિ સ્વ. શ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (કલાપી) નાં અભૂતપૂર્વ કાવ્યોએ પણ લાઠી ગામને જે જબરદસ્ત પ્રતિષ્ઠા અપાવી જે આજે પણ બરકરાર છે.
દર વર્ષે શ્રી મહાકાળી નવરાત્રિ નાટક મંડળના 60 જેટલા સભ્યો શ્રાવણ માસથી જ નાટ્ય પર્વની વિભિન્ન તૈયારીઓ શરૂૂ કરી દેતા હોય છે. સમગ્ર આયોજનને પ્રચાર માધ્યમો, સરકારી કચેરીઓ જેવી કે મામલતદાર ઓફીસ, પોલીસ ડીપાર્ટમેન્ટ, નગરપાલિકા વગેરે તેમજ ઉદ્યોગપતિઓ, વ્યાપારી સમુદાય તથા સ્થાનિક જનસમુદાયનો પુરો સાથ સહકાર મળી રહે છે.
આ તકે એ ખાસ ઉલ્લેખ કરવો રહ્યો કે, લાઠીનાં પૂ. સંતશ્રી વસંતદાસજી બાપુની સમાધી ગરબી ચોક પાસે જ છે ને ત્યાં શ્રી રામજી મંદિર પણ છે. સંતશ્રી વસંદાબાપુ કેવું દૈવી જીવન જીવી ગયા તેનો ભવ્ય ભૂતકાળ પણ જાણવા જેવો છે.
આ વર્ષે રજૂ થનારા નાટકો
1 22/09/2025 અમર દેવીદાસ
2 23/09/2025 રણુજાના રાજા રામદેવ પીર
3 24/09/2025 કાશ્મીરના મોરચે
4 25/09/2025 રાથનવઘણ
5 26/09/2025 રાજા ભરથરી
6 27/09/2025 સોમનાથની સખાતે
7 28/09/2025 વીર માંગડા વાળો
8 29/09/2025 જોગીદાસ ખુમાણ
9 30/09/2025 વીર બાવા વાળો
10 01/10/2025 ઘર ઘૂંઘટ ને ઘરચોળું