કાર પર કપડાં સૂકવી મેયરના ‘કુંભ સ્નાન’નો અનોખો વિરોધ
આમ આદમી પાર્ટીએ કોર્પોરેશન કચેરીને તાળાબંધી કરી, બે રૂપિયામાં આમ જનતાને પણ કાર ભાડે આપવા નારેબાજી
પ્રયાગરાજમાં કુંભમેળામાં મહાનગર પાલિકાના મેયર નયનાબેન પેઢડિયા અને તેમના મિત્રો સરકારે ફાળવેલ ગાડીમાં પ્રજાના પૈસે ગંગામાં ડુબકી લગાવવા પહોંચી જતાં તેનો ભારે વિરોધ જોવા મળ્યો છે. આ મુદ્દે તંત્ર દ્વારા પણ ગુજરાત બહાર સરકારી ગાડી જાય ત્યારે પ્રતિ કિલોમીટર રૂપિયા બે વસુલવામાં આવે છે. તેમ જણાવી બનાવ ઉપર પડદો પાડી દેવાનો પ્રયાસ કરાયો છે. પરંતુ આમ આદમીપાર્ટી દદ્વારા ફક્ત બે રૂપિયામાં પ્રયાગરાજ સુધી સફર કરવા મળતી હોય તો આનો લાભ પ્રજાને પણ આપો તેવા નારા સાથે કોર્પોરેશન કચેરીમાં આજે વિરોધ પ્રદર્શન કરી કુંભ મેળામાં મેયરે ગાડી પર સુકવેલા કપડાનું રિહર્સલ ભજવી મનપાના આંગણામાં કાર ઉપરકપડા સુકવી તેમજ બન્ને ગેટને તાળાબંધી કરી આસિસ્ટન્ટ કમિશનરને આવેદન પાઠવ્યું હતું.
મહાનગરપાલિકાના પદાધિકારીઓને ફાળવવામાં આવેલ સરકારી ગાડીનો ઉપયોગ તેઓ ગુજરાતમાં જ કરી શકે છે. ગુજરાત બહાર જવા માટે પ્રથમ મ્યુનિસિપલ કમિશનરની મંજુરી લેવાની હોય છે. તેવો નિયમ અમલમાં છે. ત્યારે મનપાના મેયર નયનાબેન પેઢડિયા તેમના પતિ અને અન્ય મિત્રો સાથે પ્રયાગરાજ કુંભમેળા ખાતે પહોંચ્યા હતાં. જ્યાં તેમની કાર પાર્ક કરેલ હોય અને કાર ઉપર કપડા સુકાતા હોય તેવો વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં સરકારી ગાડીનો દૂરઉપયોગ થયા અંગેનો હોબાળો બોલી ગયો હતો.
આથી આ મુદ્દે સ્ટેન્ડીંગ ચેરમેન દ્વારા જણાવવામાં આવેલ કે, ગુજરાતની અંદર કોઈપણ સ્થળે પદાધિકારીઓને તેમને ફાળવેલી કાર લઈ જવાની સત્તા છે. પરંતુ ગુજરાત બહાર જવું હોય ત્યારે કમિશનરની મંજુરી લઈ ગુજરાતની બહારના તમામ કિલોમીટરના રૂપિયા બે પ્રતિ કિલોમીટર લેખે ચુકવવાના હોય છે અને આદસ વર્ષ પહેલા નક્કી કરેલા ભાવ છે. તેથી હવે કોમર્શીયલ દર મુજબના ભાવ નક્કી કરવામાં આવશે. તેમ જણાવી આ બનાવ અંગે ખુલાસો આપ્યો હતો.
સ્ટેન્ડીંગ ચેરમેનના ખુલાસા બાદ નક્કીથઈ ગયેલ કે, પ્રતિ કિલોમીટર રૂા. 2 લેખે પદાધિકારીઓ ભારતભરમાં સહેલગા કરી શકે છે. પરંતુ ફક્ત બે રૂપિયા કિલોમીટર ફરવા મળીરહ્યું છે. જેની સામે ખર્ચો કિલોમીટર દિઠ રૂા. 10 થી વધુ આવતો હોય આ ખર્ચ પ્રજા ઉપર નાખવામાં આવે છે અને પ્રજાના પૈસાથી જ આ લોકોએ પ્રયાગરાજની ટુર કરી હોવાની ચર્ચા જાગતા આમ આદમી પાર્ટી દ્વારા આજે સેન્ટ્રલજોન કચેરી ખાતે મેયરની કુંભ સ્નાનની ડુબકીનો વિરોધ કરી કચેરીના બન્ને ગેઈટ બંધ કરી કચેરીમાં કાર રાખી તેના પર કપડા સુકવી પ્રયાગરાજમાં મેયરની કારના ફોટા વાયરલ થયેલ તે મુજબનું રિહરસલ ભજવી પ્રજાને પણ બે રૂપિયામાં સહેલગા કરાવો તેવા નારા લગાવી આસિસ્ટન્ટ કમિશનરને રજૂઆત કરી હતી.
વિપક્ષે મોકો જતો કર્યો
સરકારી કાર લઈને મનપાના મેયર કુંભ સ્નાન કરી આવ્યા તેનો વિરોધ આજે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ જનરલ બોર્ડમાં અલગ અલગ પ્રકારે વિરોધ કરનાર કોંગ્રેસના સભ્યોએ આજે આ મોકો ખોઈ નાખ્યો હોય તેવો ગણગણાટ કોર્પોરેશનમાં જોવા મળ્યો હતો. વિરોધ પ્રદર્શન કરવાના બદલે કોંગ્રેસે ફક્ત લેખીત વિરોધ કરી મન મનાવી લીધું છે. તેવી પણ ચર્ચા કોર્પોરેશનમાં જોવા મળી હતી.