ઇશારામાં સમજી જજો, જરૂર પડે તો બલિદાન આપી દઇશ: અલ્પેશ ઠાકોર
કોંગ્રેસના નેતાઓ સાથે સમાજના કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યના સૂચક વિધાનો, મંત્રી મંડળમાં ફેરફારો બાદ વાણી પરિવર્તન, છતાં નારાજગી નહીં હોવાનો સૂર
ગુજરાતમાં પ્રધાન મંડળમાં ફેરફારો બાદ અનેક ધારાસભ્યોના વાણી અને વર્તનમાં વાતાવરણની માફક ફેરફારો આવવા લાગ્યા છે. કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા બાદ લાલ લાઇટની લાંબા સમયથી રાહ જોતા ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે વિપક્ષ સાથે સ્ટેજ શેર કરવા ઉપરાંત બલિદાન આપવાનો પણ ઇશારો કર્યો હતો.
પાલનપુરના ચડોતર ગામે ઠાકોર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. ઠાકોર સમાજ સ્નેહ મિલન કાર્યક્રમાં ભાજપ કોંગ્રેના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. સાંસદ ગેનીબેન ઠાકોર, ક્ષત્રિય ઠાકોર સેનાના સ્થાપક અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ધારાસભ્ય કેસાજી ઠાકોર, ધારાસભ્ય અમૃતજી ઠાકોર હાજર રહ્યા હતા. સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, વર્તમાન સરકાર ઠાકોર સમાજ સાથે ઘણી રીતે અન્યાય કરી રહી છે. ખાતાની ફાળવણી ઠાકોર સમાજની મજાક અને મશ્કરી સમાન છે.
તો અલ્પેશ ઠાકોરે કહ્યું કે, અમારા સંગઠનમાં કામ કરનાર સ્વરૂૂપજી ઠાકોર મંત્રી બન્યા. મંત્રીમંડળમાં સ્વરૂૂપજીની પસંદગી બદલ આભાર માનીએ છીએ. આ પ્રસંગે ભાજપ કોંગ્રેસના નેતાઓ એકસાથે મંચ પર હાજર રહ્યા હતા. ત્યારે ઠાકોર સમાજના સંમેલનમાં અલ્પેશ ઠાકોરે સાંકેતિક રાજકીય ઇશારો કર્યો હતો.
અલ્પેશ ઠાકોરે કહ્યું આ મારો ઈશારો છે. આ ઇશારામાં જે સમજવું હોય એ સમજી જજો. સમાજ માટે 32 લક્ષણા પુરુષ તરીકે બલિદાન આપવું પડશે તો આપી દઈશ. વાવડીમાં પાણી ખૂટે એટલે અલ્પેશ ઠાકોર એનું બલિદાન આપશે. આ ઇશારામાં જે સમજવું હોય એ સમજી જજો. અત્રે ઉલ્લેખનીય છે કે, મંત્રીમંડળના વિસ્તરણ બાદ દિયોદરમાં પણ અલ્પેશ ઠાકોરે આવી ઈશારાભરી વાતો કરી હતી. હવે પાલનપુરમાં પણ અલ્પેશ ઠાકોરે રજકીય ઇશારો કર્યો છે.
જોકે સનેહ મિલનમાં ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે આગળ કહ્યુ કે, નારાજગી કોઈ નથી. અમારા સંગઠનમાં કામ કરનાર સ્વરૂૂપજી ઠાકોર મંત્રી બન્યા અમે સાહેબ કહેતા થયા છીએ. મંત્રી મંડળમા સ્વરૂૂપજીની પસંદગી કરી એ બદલ આભાર માનીએ છીએ. કોઈની સામે ની નારાજગી કોઈ સમાજ કે કોઈ પાર્ટી પ્રત્યેની નારાજગી નથી. આ સમાજની ક્રાંતિ માટે ઘણા વર્ષો થી અમે લડી રહ્યા છીએ. ભૂખ છે અમને સમાજના વિકાસની, ભૂખ છે શિક્ષણની. ગાંધીનગરમાં યુનિવર્સીટી જેવી મોટી સ્કૂલ હોય, દરેક તાલુકા માથકોએ સ્કૂલ હોય, દીકરા દીકરીઓ આઇઈએસ આઈપીએસ બને એ માટેની ભૂખનો આ સંદેશ છે.
ગેનીબેન ઠાકોરના ગોફણીયા
તો ઠાકોર સમાજ સ્નેહમિલન કાર્યક્રમ દરમ્યાન સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, શાસક પક્ષ તરીકે એ ના બોલી શકે પણ વિપક્ષ તરીકે અમે બોલી શકીએ કે વર્તમાન સરકારએ ઠાકોર સમાજ સાથે અન્યાય કર્યો છે. વર્તમાન સરકાર ઠાકોર સમાજને ઘણી રીતે અન્યાય કરી રહી છે. બજેટ, યોજના સહિત રાજકીય રીતે જે પદ પર સ્થાન આપવું જોઈએ અને પદ આપ્યા તોય આટલા મોટા ઠાકોર સમાજના 38 ધારાસભ્ય હોવા છતાં ખાતાની ફાળવણી કરી તેમાં સમાજની મજાક અને મશ્કરી સમાન છે. પ્રધાન મંડળનું વિતરણ થયું તેમાં પણ સમાજને જે પ્રભુત્વ મળવું જોઈએ જે ખાતાકીય ફાળવણી થવી જોઈએ તેમાં પણ ક્યાંકને ક્યાંક અન્યાય થયો છે.
