ન્યુ આરામ કોલોનીમાં બેકાબૂ ડમ્પર ચાલકે યોગેશ્ર્વર સ્ટુડિયોમાં અથડાવ્યું
જામનગરમાં ન્યુ આરામ ફોલોની વિસ્તારમાં એક ડમ્પર ચાલકે પોતાનું વાહન બેદરકારી પૂર્વક ચલાવી એક સ્ટુડિયોની દીવાલને ઠોકર મારી દેતાં દિવાલમાં તિરાડ પડી ગઈ હતી, જ્યારે છજામાં પણ અંદાજે 40,000નું નુકસાન થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ન્યુ આરામ કોલોની વિસ્તારમાં રહેતા અને ફોટોગ્રાફી કરતા રમેશભાઈ નાનજીભાઈ કણજારીયા નામના ફોટોગ્રાફરે પોતાના યોગેશ્વર સ્ટુડિયોમાં ડમ્પર અથડાવી નુકસાન પહોંચાડવા અંગે જી.જે. 10 એક્સ 9398 નંબરના ડમ્પર ચાલક સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ઉપરોક્ત ડમ્પર ચાલકે અગાઉ પોતાનું વાહન બેદરકારી પૂર્વક ચલાવી સ્ટુડિયોને ઠોકર મારી હતી, જેથી દીવાલમાં તિરાડ પડી ગઈ હતી, જ્યારે છતનો ભાગ તૂટ્યો હતો. જેના કારણે સ્ટુડિયોમાં અંદાજે 40,000નું નુકસાન થયું હતું.
જે અંગે સૌ પ્રથમ સમાધાન કરી નુકસાની નું વળતર આપવા માટે સહમતી દાખવી હતી, પરંતુ ડમ્પર ચાલક ફરી ગયો હતો, અને નુકસાની નહીં આપતાં ઉપરાંત સામે ધાકધમકી આપતાં આખરે મામલો પોલીસમાં લઈ જવાયો હતો, અને રમેશભાઈ કણજારીયાની ફરિયાદના આધારે પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.એન. ત્રિવેદીએ ડમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.