કાકા-ભત્રીજાએ સગીરા ઉપર દુષ્કર્મ ગુજારી સગર્ભા બનાવી, ડોક્ટરે ડિલિવરી કરી બાળકને કમળાપુરમાં વેચી માર્યુ
- જસદણના દેવપરા ગામની સનસનાટીભરી ઘટના, કાકો-ભત્રીજો અને ડોકટર પોલીસ સકંજામાં
રાજકોટ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સગીરાઓના અપહરણના ગુના અને છેડતી તેમજ બળાત્કારની ફરિયાદો પોલીસ ચોપડે નોંધવામાં આવી છે. આજે જસદણના દેવપરા ગામે રહેતા એક પરિવારની સગીરા પર કૌટુંબીક કાકા-ભત્રીજાએ દુષ્કર્મ ગુજાર્યુ હતું આ બનાવમાં 13 વર્ષીય સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેમને હોસ્પિટલે લઈ જવાતા સગીરા ગર્ભવતી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ મામલે સગીરાના પિતાએ તેમના કૌટુંબીક કાકાનો સંપર્ક કરતા તેઓએ પુરાવાનો નાશ કરવા સગીરાના પરિવારને જસદણમાં શ્રીજી ક્લિનિક ધરાવતા તબીબ પાસેથી લઈ ગયા હતાં અને ત્યાં બાળકનો જન્મ થયા બાદ બાળકને કમળાપુર ગામે વેચી મામલો રફેદફે કરવા જતાં સગીરાના માતા-પિતાએ તુરંત પોલીસનો સંપર્ક કરતા કાકા-ભત્રીજા અને તબીબને સકંજામાં લઈ પોક્સો, દુષ્કર્મ, પુરાવાનો નાશ કરવો અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તજવીજ શરૂ કરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટના જસદણના દેવપરા ગામે એક ગંભીર ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં દેવપરા ગામે રહેતા એક મહિલાએ પોતાની ફરિયાદમાં તેમના કૌટુંબીક કાકા અનિલ જોહાભાઈ જતાપરા તેનો ભત્રીજો મનીષ ભરત જતાપરા અને મુકેશ ગોરધન જતાપરા અને ગામમાં શ્રીજી ક્લિનિક ધરાવતા ડો. રાદડિયા વિરુદ્ધ પોક્સો, પુરાવાનો નાશ કરવો અને ધમકી તેમજ દુષ્કર્મ અંગેની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ બનાવમાં જસદણ પોલીસમથકના પીઆઈ ટી.બી. જાની અને રાઈટર અરૂણભાઈ ખટાણા સહિતના સ્ટાફે ડો. રાદડિયા સહિત ત્રણ વ્યક્તિને સકંજામાં લઈ તેઓની પુછપરછ શરૂ કરી છે.
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યુ ંહતું કે, તેઓના પતિ મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓની13 વર્ષની દિકરીને થોડા દિવસો પહેલા પેટમાં દુખાવો થતાં તેઓને હોસ્પિટલે લઈ ગયા હતાં ત્યાંથી સગીરા ગર્ભવતી હોવાની તપાસમાં ખુલ્યું હતું. આ મામલે ગભરાઈ ગયેલા સગીરાના માતા-પિતાએ તેઓના કૌટુંબીક કાકા મુકેશને હકીકત જણાવી હતી. જે મામલે સગીરા પર મનીષ અને અનિલે દુષ્કર્મ ગુજાર્યુ હોવાનું સગીરાની આકરી પુછપરછમાં ખુલ્યું હતું. આ મામલે આરોપીઓ કુટુંબના જ વ્યક્તિઓ હોય જેથી મામલો રફેદફે કરવા માટે મુકેશે તુરંત ગામમાં રહેતા ડો. રાદડિયા જેઓ શ્રીજી ક્લિનિક ધરાવે છે. તેનો સંપર્ક કર્યો હતો.
ત્યાર બાદ મુકેશે સગીરાના માતા-પિતાને ધમકી આપી હતી કે હું કહું તેટલુ જ કરવાનું રહેશે નહીં તો તમારી આબરૂ ગામમાં જતી રહેશે જેથી સગીરાના માતા-પિતા સહમત થયા હતાં અને મુકેશ અને સગીરાના માતા-પિતા સગીરાને શ્રીજી ક્લિનિકમાં ડો. રાદડિયાને ત્યાં લઈ ગયા હતા ત્યાં સગીરાએ એક બાળકને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ સગીરાને અને તેમના માતાપિતાને ઘરે મોકલી દીધા હતાં ડો. રાદડિયા અને મુકેશે આ બાળક કમળાપુરમાં રહેતા એક દંપતિને વેંચી દીધું હતું. આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા જસદણ પોલીસ મથકનાપીઆઈ ટી.બી. જાનીએ બનાવની ગંભીરતાથી લઈ તુરંત ક્લિનિક ધરાવતા ડો. રાદડિયા સહિત ત્રણ વ્યક્તિને સકંજામાં લઈ પુછપરછ શરૂ કરી છે.
બાળક લેનારની ભૂમિકા પણ તપાસમાં આવશે: તપાસકર્તા અધિકારી
જસદણમાં 13 વર્ષની સગીરા પર બળાત્કારની ઘટનામાં સગીરાએ બાળકને જન્મ આપ્યા બાદ તબીબ અને તેમના કૌટુંબીક કાકાએ બાળકને ગામમાં રહેતા એક દંપતિને વેંચી નાખ્યું હતું આ ઘટનામાં તપાસ કરતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, બાળક કેટલા રૂપિયામાં વેચ્યુ અને બાળક લેનાર દંપતિની આ ઘટનામાં શું ભૂમિકા છે તેની તપાસ થઈ રહી છે. આ ઘટનાના પગલે જો બાળક લેનાર દંપતિની આ ગુનામાં કોઈ સંડોવણી હશે તો તેઓને પણ આરોપી બનાવાશે તેમ તપાસ કર્તા અધિકારીએ જણાવ્યું હતું.
ડો. રાદડિયાએ સગીરા સગર્ભા હોવાની પોલીસને જાણ ન કરી
જસદણ પંથકની 13 વર્ષની સગીરાને આંઠ મહિનાનું ગર્ભ હોવાનું ખુલતા તેમણે કૌટુંબીક મુકેશે તેમના માતા-પિતાને જણાવી ડિલેવરી માટે ડો. રાદડિયા પાસે શ્રીજી ક્લિનિકમાં લઈ ગયા હતાં. સામાન્ય રીતે કોઈ 18 વર્ષથી ઓછી ઉમરની સગીરા ગર્ભવતી હોય ત્યારે તબીબ દ્વારા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવે છે અને એમ.એલ.સી. નોંધવામાં આવે છે. ત્યારે આ ઘટનામાં ડો. રાદડિયાએ સગીરા સગર્ભા હોવાનું જાણવા છતાં બનાવ છુપાવી અને સગીરાની પ્રસૃતિ કરાવી હતી. તેમજ જે બાળકને જન્મ આપ્યો તે બાળક કમળાપુર ગામે વેચી નાખ્યું હતું. આ ઘટનાને લઈ ડો. રાદડિયાને પણ આરોપી બનાવાયા છે તેમણે પુરાવાનો નાશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.