રાજકોટમાં કૌટુંબિક ભત્રીજાના લગ્નમાં દાંડિયારાસ રમતા કાકાનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે રાજકોટમાં વધુ એક કરુણાંતિકા સર્જતી ઘટના સામે આવી છે. જેમાં રાજકોટમાં કાલાવડ રોડ ઉપર ટીલાળા ચોક પાસે પાર્ટીપ્લોટમાં ભત્રીજાના લગ્ન પ્રસંગે દાંડિયારાસમાં કાકાને હદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યું હતું. આધેડના મોતથી પરિવારમાં લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં મોટામૌવા વિસ્તારમાં રહેતા નારણભાઈ પરસોતમભાઈ ઠુંમર નામના 52 વર્ષના આધેડ રાત્રીના સમયે ટીલાળા ચોક પાસે આવેલ રાજકીંગ પાર્ટીપ્લોટમાં હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યા હતાં. આધેડને બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજપરના તબીબે જોઈ તપાસી આધેડનું હદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે કરુણકલ્પાંત સર્જાયો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરતા લોધીકા પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી આધેડના મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે ખસેડ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં મૃતક નારણભાઈ ઠુંમર ઈમીટેશનના વેપારી હતા.ં આધેડ ત્રણ ભાઈ ત્રણ બહેનમાં નાના હતાં અને તેમના સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. નારણભાઈ ઠુંમર કૌટુંબીક ભત્રીજા વિરાજ શૈલેષભાઈ ઠુંમરના લગ્નપ્રસંગના દાંડિયારાસના કાર્યક્રમમાં રાજકીંગ પાર્ટીપ્લોટમાં હતા ત્યારે દાંડિયારાસ રમતી વેળાએ આવેલો હદય રોગનો હુમલો જીવલેણ નિવડ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે લોધીકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.