ઉકડિયા ગામે માસૂમને ફાડી ખાનાર દીપડો પાંજરે પૂરાયો
વેરાવળના ઉકડિયા ગામ નજીકથી અંતે આદમખોર દિપડો પાંજરે પુરાયો છે. વન વિભાગ દ્વારા સાત જેટલા પિંજરાઓ મૂકવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે હસ્નાવદર નજીક આ દીપડો પાજેરે પુરાતા વન વિભાગ દ્વારા દીપડાને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગની પ્રાપ્તિ વિગતો અનુસાર ગત તારીખ 30 ની સમી સાંજના ઉકડીયા ગામે વાડી વિસ્તારમાં મકાનના ફળિયા પાસે રમી રહેલ અક્ષ ઉમેશભાઈ પીઠીયા નામના ચાર વર્ષના માસુમ બાળકને દીપડાએ હુમલો કરી ઉઠાવી ગયો હતો.
જોકે ઘરના સભ્યોએ દેકારો બોલાવતા અને તાત્કાલિક ગ્રામજનો એકઠા થઇ ગયા હતા અને એક કલાકની શોધખોળ બાદ બાળક ઇજાગ્રસ્ત હાલત માં મળી આવ્યું હતું.જોકે બાળકને સારવાર મળે તે પૂર્વે જ દમ તોડી દીધો હતો આ કમકમાટી ભરી ઘટનાના પગલે ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો અને દીપડાને પાંજર પુરવા માટે ઉગ્ર માંગ ઉઠી હતી. ત્યારે વન વિભાગ દ્વારા પણ આ માનવ લોહી ચાખી ગયેલ દીપડાને સત્વરે પાંજરે પૂરવા માટે બનાવ સ્થળ તેમજ આજુબાજુના વિસ્તારમાં સાત જેટલા પિંજરાઓ મૂકવામાં આવ્યા હતા અને સતત દીપડાને પાંજરે પુરવા માટે રાત દિવસ જહેમત ઉઠાવવામાં આવી હતી.
દરમિયાન આજે વહેલી સવારે બનાવ સ્થળથી 500 મીટર દૂર હસનાવદરની સીમમાં રાખવામાં આવેલ એક પાંજરામાં આ દીપડો પુરાઈ ચૂક્યો છે વેરાવળ રેન્જ ના આર. એફ. ઓ. કે.ડી.પંપાણીયા ના જણાવ્યા મુજબ ગ્રામજનો અને વન વિભાગની ખરાઈ મુજબ બાળક પર હુમલો કરનાર આ જ દીપડો હોવાનું ફલિત થયું છે. હાલ વન વિભાગ દ્વારા આ આદમખોર દીપડાને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલતો આ વિસ્તારમાં આદમખોર દિપડો પાંજરે પુરાઈ જતા વન વિભાગ અને ગ્રામજનોએ રાહતનો દમ લીધો છે.