મોરબીમાં જૂની અદાવતમાં મારામારીમાં બે યુવાન ઘવાયા : 3 હજારની લૂંટનો આરોપ
મોરબીમાં શોભેશ્વર રોડ ઉપર આવેલી કુબેર ટોકીઝ પાછળ બે પક્ષ વચ્ચે મારામારી થઈ હતી જેમાં બંને યુવકને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક યુવાને જુની અદાવતમાં મારા મારી થઈ હોવાનું જણાવ્યું હતું જ્યારે અન્ય યુવકે હુમલાખોર શખ્સે રૂૂ.3000 પડાવી લીધા આક્ષેપ કર્યો છે.
મોરબીમાં શોભેશ્વર રોડ ઉપર આવેલી કુબેર ટોકીઝ પાછળ રહેતા રાજુ જીવાભાઇ સોલંકી નામનો 32 વર્ષનો યુવાન રાત્રીના દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે કનુ સહિતના શખ્સોએ ઝઘડો કરી ધારીયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા રાજુ સોલંકીને તાત્કાલિક સારવાર માટે મોરબી બાદ રાજકોટ સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં હુમલાખોર કનુ વાઘેલાએ રૂૂ.3000 પડાવી લીધા હોવાનો રાજુ સોલંકીએ આક્ષેપ કર્યો છે.
જ્યારે વળતા પ્રહારમાં કનુ વાલજીભાઈ વાઘેલા નામના 25 વર્ષના યુવક ઉપર રાજુ, સુરા અને અજય નામના શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા કનું વાઘેલાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અને કનુ વાઘેલાએ જૂના મન દુ:ખમાં બંને પક્ષ વચ્ચે મારા મારી થઈ હોવાનું જણાવ્યું હતું.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં થાનના મોરથરા ગામે સાસરીયુ ધરાવતી શારદાબેન જયેશભાઈ દેગામા નામની 26 વર્ષની પરિણીતા થાનગઢના સારથાણા ગામે પિતા જીલુભાઈ ધોરીયાના ઘરે હતી ત્યારે માનસિક બીમારીથી કંટાળી પોતાની જાતે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી લીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલી પરિણીતાને તાત્કાલિક સારવાર માટે વાંકાનેર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.