મૂર્તિ વિસર્જન દરમિયાન ડૂબી જતા બે યુવાનનાં મોત
ગોંડલ તાલુકાનાં ગુંદાસરા ગામે સરસ્વતી માતાની મુર્તિનાં વિસર્જન વેળા ચેકડેમ માં બે પરપ્રાંતિય શ્રમિકો ડુબી જતા તેનાં મોત નિપજ્યાં હતાં.અને ખુશીનો માહોલ માતમ માં પલટાયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ તાલુકાનાં ગુંદાસસરા માં પરપ્રાંતિય શ્રમિકો દ્વારા ગઈકાલ વસંતપંચમીનાં રોજ સુપ્રીમ કાસ્ટ નામની ફેકટરીમાં સરસ્વતી માતાની મુર્તિનું સ્થાપન કરાયા બાદ આજે સાંજે વિસર્જન કરવાનું હોય બાર થી પંદર લોકો ગાજતે વાજતે મુર્તિ લઇ ગામ નજીક નાં ચેકડેમ માં મુર્તિ પધરાવવા પંહોચ્યા હતા.
બધા ડેમનાં પાણીમાં ઉતરી મુર્તિ વિસર્જન કરી રહ્યા હતા.તે દરમિયાન અમનકુમાર ગૌતમ રાય ઉ.23 રહે.સીમરીયા જી.જાગલપુર બિહાર તથા કુમાર ગૌરવ સુભાષ માલાહર ઉ.20 રહે.દરીયાપુર જી.જાગલપુર ઉંડા પાણીમાં આગળ જતા ડુબવા લાગ્યા હતા. બન્નેનો બચાવ થાય તે પહેલા ઉંડા પાણીમાં ગરક થઈ જતા બન્નેનાં મોત નિપજ્યા હતા.
પલભર માં બનેલી ઘટનાથી વિસર્જન માટે આવેલા લોકો અવાચક થઇ ગયા હતા.બનાવ ની જાણ થતા ફેકટરીનાં માલીક અને ગામલોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા.અને ગોંડલ ફાયર બ્રિગેડ તથા પોલીસ ને જાણ કરી હતી.બાદ માં ગુંદાસરા પંહોચેલી ફાયર ટીમે ચેકડેમ માંથી બન્ને યુવાનોનાં મૃતદેહ બહાર કાઢી શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ની એમ્બ્યુલન્સ દ્વારા ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.મૃતક યુવાનો પૈકી અમન કુમાર અપરણીત હતો.જ્યારે કુમાર ગૌરવ પરણિત હતો.સંતાનમાં છ માસનો દિકરો હોવાનું જાણવા મળેલ છે.બન્ને યુવાનો મુળ બિહાર નાં હતા.અને છ માસથી સુપ્રીમ કાસ્ટ ફેકટરીમાં કામ કરતા હતા. બનાવ અંગે તાલુકા પીએસઆઇ. સોલંકીએ તપાસ હાથ ધરીછે.