ઓખાના દરિયામાં ડૂબી જવાથી બે યુવાનોના મોત
દ્વારકા નજીક કૂવામાં ડૂબી જતા પ્રૌઢાએ દમ તોડયો
દ્વારકા તાલુકાના ટોબર ગામના વાડી વિસ્તારમાં આવેલા એક કૂવામાં પોરબંદર તાલુકાના છાયા વિસ્તારમાં રહેતા રાણાભાઈ રાજશીભાઈ મહિડા નામના 55 વર્ષના પ્રૌઢનું ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું. જે અંગે છાયા વિસ્તારના રહીશ મૃતકના નાનાભાઈ સોમાભાઈએ દ્વારકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, જરૂૂરી કાર્યવાહી કરી હતી. મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લાના તલાસરી તાલુકાના મૂળ રહીશ એવા વિલાશભાઈ રધ્યાભાઈ ગોરાત નામના 30 વર્ષના માછીમાર યુવાન ગત તારીખ 19 ના રોજ રાત્રિના સમયે ઓખા નજીકના 11 નોટિકલ દૂર દરિયામાં લઘુશંકા માટે ઉઠ્યા બાદ દરિયાના પાણીમાં પડી જતા ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
જે અંગેની જાણ સજીતભાઈ વિષ્ણુભાઈએ ઓખા મરીન પોલીસને કરી છે. આ જ રીતે ઓખામાં નજીકના દરિયામાં માછીમારી કરી રહેલા સુનિલભાઈ બાબુભાઈ પટેલ (રહે. ગુંદલાવ ગામ, તા. વલસાડ) નામના 48 વર્ષના યુવાનનું પણ દરિયાના પાણીમાં પડી જતા ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની નોંધ વિજયભાઈ ગોવિંદભાઈ પટેલે ઓખા મરીન પોલીસમાં કરાવી છે. બીજી ઘટનામાં ખંભાળિયા તાલુકાના જુના તથિયા ગામે રાજશીભાઈ કેશુરભાઈ બંધીયા (રહે. જામનગર) નામના 65 વર્ષના વૃદ્ધને હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ જીવાભાઈ કેશુરભાઈ બંધીયાએ અહીંની પોલીસને કરી છે.