મોરબીના સાદુળકા પાસે ટ્રક સાથે બાઇક અથડાતાં બે યુવાનોના મોત
નવા સાદુળકા નજીક ટ્રીપલ સવારી બાઈક અને ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાનને ઈજા પહોંચી હતી જયારે બે યુવાનના મોત થયા હતા બનાવ મામલે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે. મૂળ મધ્યપ્રદેશ હાલ મોરબીના રવાપર (નદી) ગામ નજીક એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડ કારખાનામાં કામ કરતા કમલ જુવાનસિંહ રાવતે ટ્રક જીજે 03 બીઝેડ 9417 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 19 ના રોજ બાઈક ચાલક અમિતકુમાર રમેશકુમાર વિશ્વકર્મા, શિવરામભાઈ ભેરૂૂસિંહ ભાભર અને અક્લેશ કેલાશ સરિયામ ત્રણેય બાઈક જીજે 03 એફજી 3228 લઈને મોરબી માળિયા હાઈવે પર નવા સાદુળકા ગામ નજીકથી જતા હતા ત્યારે ટ્રક ચાલકે બાઈકને ઠોકર મારી હતી.
અકસ્માતમાં અક્લેશને પગ અને માથામાં ઈજા પહોંચી હતી જયારે અમિતકુમાર વિશ્વકર્મા અને શિવરામ ભાભરના ગંભીર ઈજાને પગલે મોત થયા હતા મોરબી તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.