ઉપલેટાના કુંઢેચ અને જામજોધપુરના સતાપરમાં બે યુવકનો ઝેર પી આપઘાત
કાલાવડના ડાંગરવાડામાં સગીરાએ ગળેફાંસો ખાઈ લેતાં સારવારમાં ખસેડાઈ
ઉપલેટાના કુંઢેચ અને જામજોધપુરના સતાપરમાં બે યુવાને કોઈ અગમ્યકારણોસર ઝેરી દવા પી લીધી હતી. બન્ને યુવાને રાજકોટ સારવારમાં દમ તોડી દેતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઉપલેટાના કુંઢેચ ગામે રહેતાં જગદીશ ઉર્ફે જીગર કનુભાઈ રાઠવા (ઉ.21)એ ચાર દિવસ પૂર્વે બપોરના સમયે પોતાની વાડીએ ઝેરી દવા પી લીધી હતી. યુવકનું રાજકોટ સારવારમાં મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક યુવાન બે ભાઈ એક બહેનમાં નાનો અને અપરિણીત હોવાનું જાણવા મળ્યું છે. બીજા બનાવમાં જામજોધપુરનાં સતાપર ગામે રહેતા અમીત કરશનભાઈ નકુમ (ઉ.46) છ દિવસ પૂર્વે સંધ્યા ટાણે પોતાની વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
આ ઉપરાંત અન્ય બનાવમાં કાલાવડના ડાંગરવાડા ગામે પરિવાર સાથે ખેત મજુરી અર્થે આવેલી કાંતાબેન રમેશભાઈ શિંગાળ નામની 17 વર્ષિય સગીરા વાડીએ હતી ત્યારે પોતાની ઓરડીમાં લોખંડના એંગલ સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગીરાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.