સાયલાના ગોસળ ગામ નજીક કાર આઈશર સાથે અથડાતા નિવૃત્ત આર્મીમેનના બે વર્ષના પુત્રનું મોત
સાયલા-ચોટીલા નેશનલ હાઇવે પર કાર અને આઇશર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં કારમાં સવાર બે વર્ષના બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે કારમાં સવાર અન્ય બે લોકો અને આઇશરના ચાલકને ઇજાઓ પહોંચી હતી. જોડિયા તાલુકાના ખીરી ગામના રહેવાસી અને નેવીના નિવૃત જવાન પત્ની અને પુત્ર સાથે અમદાવાદ જઇ રહ્યો હતો ત્યારે અકસ્માત નડયો હતો.
જામનગરના જોડિયા તાલુકાના ખીરી ગામના રહેવાસી અને નેવીના નિવૃત જવાન સહદેવસિંહ મંગળસિંહ જાડેજા પત્ની રશ્મીબા સહદેવસિંહ જાડેજા તથા બે વર્ષના પુત્ર કૃષ્ણરાજ સહદેવસિંહ જાડેજા સાથે કારમાં અમદાવદ પોતાના સગાને ત્યાં જઇ રહ્યાં હતા. ત્યારે સાયલા તાલુકાના ગોસળ ગામ પાસે સહદેવસિંહ જાડેજાએ કારના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ડીવાઈડર કૂદીને સામે આવી રહેલી આઇશર સાથે કાર અથડાઈ હતી. આ ગોઝારા અક્સ્માતમાં બે વર્ષના કૃષ્ણરાજ સહદેવસિંહ જાડેજાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અને ચાલક સહદેવસિંહ મંગળસિંહ જાડેજા, તેમના પત્ની રશ્મીબા સહદેવસિંહ જાડેજા તેમજ આઇશર ચાલક હરદિપસિંગ અમર દીપસીંગને ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં કારનો રીતસરનો બુકડો બોલી ગયો હતો.
તમામ ઇજાગ્રસ્તોને પ્રથમ 108 દ્વારા સાયલા સરકારી હોસ્પિટલ ખાતે લવાયા હતા. જેમાં સહદેવસિંહ જાડેજા અને તેમના પત્ની રશ્મીબા જાડેજાને વધુ ઇજાઓ જણાતા સુરેન્દ્રનગરની હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે અકસ્માત માટે બ્લેક સ્પોટ ગણાતા સાયલા તાલુકાના વખતપર અને ગોસાળ ગામે છાશવારે અકસ્માત સર્જાય છે જેમાં અનેક લોકોએ જીવ ગુમાવે છે.