દારૂ પી રેલવે ટ્રેક પર સુઈ ગયેલા બે શ્રમિક ટ્રેન હેઠળ કપાઈ ગયા
રાજકોટનાં કોરાટ ચોક પાસેના ફાટક પાસે બનેલી અરેરાટીભરી ઘટના
રાત્રે કારખાનામાં કામ પતાવી દારૂ પી રેલવે ટ્રેક ઉપર સુઈ ગયા, વહેલી સવારે ટ્રેન ફરી વળી
દારૂના દુષણને ડામવા માટે પોલીસ દ્વારા અનેક દારૂના અડ્ડાઓ પર દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આમ છતાં કયાંકને કયાંક દારૂ વેચાઈ રહ્યો હોવાનું બહાર આવે છે ત્યારે રાજકોટ શહેરમાં કોરાટ ચોક પાસે આવેલી ભુવા ફાટકે દારૂ ઢીંચી બે શ્રમિક રેલવે ટ્રેક પર સુઈ ગયા હતાં અને આજે વહેલી સવારે ધસમસતી આવી રહેલી ટ્રેન નીચે આવી જતાં બન્નેના કરૂણ મોત નિપજ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બન્ને વ્યક્તિ રાજકોટનાં હોવાનું જાણવા મળી રહ્યું છે અને હાલ બન્નેના મૃતદેહને સિવિલ હોસ્પિટલે ખસેડી શાપર-વેરાવળ પોલીસે ઘટના અંગે જાણ કરવામાં આવી છે.
વધુ વિગતો મુજબ, આજે વહેલી સવારે અંદાજીત સાડા ચાર વાગ્યે રાજકોટ શહેરના ભાગોળે આવેલા કોરાટ ચોક પાસે ભુવા ફાટકે ટ્રેનની ઠોકરે બે યુવાનોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવતાં જ રાજકોટ પોલીસ અને શાપર-વેરાવળ પોલીસ તેમજ રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બન્નેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. પોલીસે બન્નેની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી હતી અને તેમાં જાણવા મળ્યું હતું કે એકનું નામ થોરાળા વિસ્તારનાં ખીજડા વાળા મેઈન રોડ પર રહેતાં સૌરવ પલનપ્રસાદ સોલંકી (ઉ.25) અને બીજાનું નામ લીલી સાજડીયાળી ગામે રહેતા સુનિલ જયંતિભાઈ મકવાણા હોવાનું ખુલ્યું હતું.તેમજ હાલ આ બન્નેંની ઓળખ થતાં પોલીસે બન્નેના પરિવારજનોને જાણ કરતાં પરિવારજનો સિવિલ હોસ્પિટલે પહોંચી ગયા હતાં અને બન્નેના પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો હતો.
પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું હતું કે બન્ને શાપર-વેરાવળ ખાતે આવેલા પેકેજીંગના કારખાનામાં કામ કરે છે અને ગઈકાલે સાંજે કારખાનેથી છુટીને દારૂ ઢીંચીને ઘરે આવતાં સમયે તેઓ રેલવે ટ્રેક પર જ સુઈ ગયા હતાં અને બન્નેના સવારે મોત નિપજ્યા હતાં. હાલ આ ઘટના અંગે શાપર-વેરાવળ પોલીસ દ્વારા બનાવની સ્પષ્ટ હકીકત જાણવા તપાસ શરૂ કરી છે.