કોલસાની ખાણમાં ગૂંગળાઈ જતાં બે શ્રમિકના મોત, ત્રણ શખ્સો સામે સાપરાધનો નોંધાતો ગુનો
- સાયલાના ચોરાવીરા ગામે બૂરી દેવાયેલ કોલસાની ખાણ ફરી ખોદવાની શરૂ કરી હતી
સુરેન્દ્રનગર જિલ્લામાં તંત્રની મીઠી નજર હેઠળ બેફામ ખનીજ ચોરી થઈ રહી છે ત્યારે તાજેતરમાં જ થાન પંથકમાં કોલસાની ખાણમાં દબાઈ જતાં મજુરોના મોત થયા હતાં. આ બે ઘટનાની હજુ શાહી પણ સુકાઈ નથી ત્યાં ગઈકાલે સાંજે બુરી દેવાયેલ કોલસાની ખાણનું ફરી ખોદકામ શરૂ કરાવતાં બે મજુરના ખાણના કૂવામાં ગુંગળાઈ જવાથી મોત થયા હતાં. આ અંગે પોલીસે ત્રણ શખ્સો સામે શા અપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી ધરપકડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરાવીરા ગામે ગઈકાલે સાંજે બુરી દેવાયેલી કોલસાની ખાણનું ફરી ખોદકામ શરૂ કરાવવામાં આવ્યું હતું. જેમાં કોલસાની ખાણના કૂવામાં ઉતારવામાં આવેલા હર્ષદભાઈ બચુભાઈ કોળી અને હરેશભાઈ મનસુખભાઈ કોળીનું ગુંગળાઈ જવાથી બેભાન હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં ત્યાં બન્ને શ્રમિકના સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યા હતાં.
આ ઘટનાની જાણ થતાં સાયલા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ તંત્ર દ્વારા બુરી દેવાયેલ કોલસાની ખાણ ફરી શરૂ કરવા માટે મજુરોના જીવ જોખમમાં મુકી કોઈપણ જાતના સુરક્ષા સલામતીના સાધનો કે હેલ્મેટ વગર ત્રણ મજુરોને ઓક્સિજન કે માસ્ક વગર કોલસાની ખાણમાં ઉતારવામાં આવ્યા હતાં. જેમાં બે મજુર ગેસ ગળતરના કારણ ગુંગળાઈ ગયા હતાં. જ્યારે એક મજુરને સામાન્ય અસર પહોંચી હતી.
આ ઘટના અંગે સાયલા પોલીસે કિશનભાઈ બચુભાઈ કોળી (ઉ.21)ની ફરિયાદ પરથી મુળી તાલુકાના વગડીયા ગામે રહેતા ગોપાલભાઈ ભરવાડ, થાનગઢના બાબુભાઈ આલ અને વગડીયા ગામના પીઠાભાઈ જગાભાઈ પાંચાલ સામે શા અપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ ત્રણેય શખ્સોએ બુરી દેવાયેલ કોલાસની ખાણ ફરી શરૂ કરવા માટે અને ગેરકાયદેસર કોલસાની ચોરી કરવા માટે મજુરોના જીવ જોખમમાં મુકી કોલસાની ખાણમાં ઉતારવામાં આવ્યા હતાં. જેમાં ગુંગળાઈ જવાથી બે મજુરના મોત થયા છે.