GST ઘટાડાથી ટુ-વ્હીલરનું વેચાણ બંબાટ ભાગ્યું, ફોર વ્હીલરમાં પંચર
ગુજરાતમાં સપ્ટેમ્બર-ઓકટોબરમાં દ્વીચક્રી વાહનમાં 26.7 ટકાનો ઉછાળો, 76900 કાર વેચાઇ છતાં વેંચાણમાં ઘટાડો
તાજેતરના GST કાપ, ગ્રાહકોના સુધરેલા સેન્ટિમેન્ટ અને ગ્રામીણ વિસ્તારોમાંથી મજબૂત માંગને કારણે ગુજરાતના ઓટોમોબાઇલ બજારમાં આ તહેવારોની સિઝન મિશ્ર અસરવાળી રહી છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં, દ્વિ-ચક્રીય વાહનોના વેચાણમાં 26.7% નો જબરદસ્ત ઉછાળો આવ્યો અને કુલ 3.72 લાખ યુનિટ્સનું વેચાણ નોંધાયું. જોકે, કારના વેચાણમાં મામૂલી 1.9% નો ઘટાડો જોવા મળ્યો, જે 76,900 યુનિટ્સ પર પહોંચ્યું.
ડીલરોએ નોંધ્યું છે કે આ વર્ષે તહેવારોની સિઝનમાં ટુ-વ્હીલર ખરા વિજેતા બન્યા છે. વિવિધ મોડેલો પર ₹7,000 થી ₹20,000 સુધીના GST કાપને કારણે EMI વધુ સસ્તું બન્યા. FADA (ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન્સ) ગુજરાતના અધ્યક્ષ પ્રણવ શાહના જણાવ્યા મુજબ, મધ્યમ અને નિમ્ન-મધ્યમ વર્ગના ગ્રાહકોએ આ કાપને સારો પ્રતિસાદ આપ્યો, જેને તહેવારો બોનસ અને બહેતર રોકડ પ્રવાહ (liquidity) નો પણ ટેકો મળ્યો. ગુજરાતમાં ગિયરલેસ સ્કૂટરો ના વેચાણમાં સૌથી મોટો ઉછાળો આવ્યો, જ્યારે 125સીસીની મોટરસાઇકલો અને 350સીસીથી વધુની પ્રીમિયમ બાઇક્સની માંગ પણ મજબૂત રહી.
કાર બજારમાં માંગ ઊંચી હોવા છતાં વેચાણમાં ઘટાડો થવાના મુખ્ય કારણોમાં સપ્લાય ચેઇનની અડચણો અને GST કાપ પહેલાની ખરીદી હતી. GST કાપ જાહેર થયા પછી, ઘઊખ (ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ) દ્વારા જથ્થાબંધ બિલિંગ લગભગ 20 દિવસ સુધી અટકી ગયું હતું. જેના કારણે તહેવારોના 50 દિવસના ગાળા દરમિયાન ગાડીઓની અસમાન ઉપલબ્ધતા રહી. તેમજ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO) ના અધિકારીઓએ જણાવ્યું કે GST ના સુધારેલા દરો લાગુ થતા પહેલા ડીલરોએ જૂનો સ્ટોક ખાલી કરવા માટે મોટા ડિસ્કાઉન્ટ ઓફર કર્યા હતા. અમુક મિડ-સેગમેન્ટ કાર પર GST રાહત કરતાં પણ વધુ એટલે કે ₹1.5 થી ₹1.75 લાખ સુધીના ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યા હતા. આ ભારે ડિસ્કાઉન્ટે ગ્રાહકોને પહેલાથી ખરીદી કરવા પ્રેર્યા. જે ગ્રાહકો નવરાત્રી સુધી રાહ જોતા હતા, તેમને સ્ટોકની અછતનો સામનો કરવો પડ્યો.