C.P. કચેરી પાસે તોતિંગ વૃક્ષ તૂટી પડતાં બે TRB જવાન-કોન્સ્ટેબલ ઘવાયા, PCR વાન સહિત નવ વાહનો દટાયા
વગર વરસાદે બપોરે આંબલીનું વૃક્ષ રોડ ઉપર તૂટી પડતાં વાહન વ્યવહાર પણ ઠપ
એક ટીઆરબી જવાન દબાઇ જતાં લોકોએ વૃક્ષ ઉંચું કરી જીવ બચાવ્યો
રાજકોટ શહેરમા જિલ્લા પંચાયત ચોક નજીક આવેલ પોલીસ કમિશનર કચેરીને અડીને આવેલુ આંબલીનુ એક તોતીંગ ઝાડ આજે બપોરે બારેક વાગ્યે વગર વરસાદે રોડ ઉપર તુટી પડતા ભારે અફરાતફરી મચી ગઇ હતી.
આ દૂર્ઘટનામા પોલીસની એક પીસીઆર વાન તથા આઠ જેટલા ટુ-વ્હીલર તોતીંગ વૃક્ષ નીચે દટાઇ ગયા હતા જયારે બે ટીઆરબી જવાન તથા એક પોલીસ કોન્સ્ટેબલને ઇજાઓ થવા પામી હતી. રોડ ઉપર વૃક્ષ તુટી પડતા વાહન-વ્યવહાર બંધ કરવો પડયો હતો.
આ વૃક્ષ તુટી પડતા આજીડેમ ચોકડી નજીક રહેતો ટીઆરબી જવાન પ્રવિણ અશોકભાઇ ચાવડા ઝાડ નીચે ફસાઇ જતા લોકોએ ઝાડ ઉંચુ કરી તેનો જીવ બચાવ્યો હતો. આ જવાનને માથામા ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયેલ છે.
મળતી માહિતી મુજબ બપોરે બારેક વાગ્યે આંબલીનુ આ તોતીંગ વૃક્ષ અચાનક તુટી રોડ ઉપર ખાબકયુ હતુ પરિણામે ઝાડના છાંયડે પાર્ક કરેલા 8 જેટલા ટુ-વ્હિલર તથા પોલીસની પીસીઆર વાન દબાઇ ગયા હતા.
આ ઉપરાંત ઝાડ નીચે ટુ વ્હીલર ઉપર બેઠેલા ટીઆરબી જવાન અશોક ચાવડા ઝાડ નીચે દબાઇ ગયો હતો જયારે અન્ય એક ટીઆરબી જવાન લાલા સિંઘા ખોડાણી (ઉ. ર6) તથા એસઓજીના ડ્રાઇવર નરપતસિંહ જાડેજાને સામાન્ય ઇજાઓ થવા પામી હતી.
ઝાડ તુટી પડતા જિલ્લા પંચાયતથી ફુલછાબ ચોકનો વાહન વ્યવહાર ખોરવાઇ જતા ફાયરબ્રિગેડ સ્ટાફે સ્થળ પર દોડી જઇ વૃક્ષ કાપી રસતો કિલયર કરાવ્યો હતો.
મળતી માહિતી મુજબ હાલ રાજકોટ જિલ્લા પંચાયતના નવા બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું છે. અને તેના માટે ખોદકામ ચાલી રહ્યું હોવાથી સી.પી. કચેરી સામે જિલ્લા પંચાયતની દિવાલ પાસે ઉભેલા વર્ષો જૂના આ આંબલીના વૃક્ષના મુળ પણ કપાઈ જતાં અને તાજેતરમાં પડેલા વરસાદના કારણે વૃક્ષના મુળની પકડ નબળી પડી જતાં વૃક્ષ તુટી પડ્યું હોવાનું માનવામાં આવે છે.જો કે, સતત ટ્રાફિકથી ધમધમતા રહેતા આ રોડ ઉપર વૃક્ષ પડ્યુ ત્યારે કોઈવાહન ચાલકો પસાર થતા ન હોવાથી મોટી દુર્ઘટના અટકી હતી.