દુજાણા ઢોરની તંદુરસ્તીને હાનિકારક ઈન્જેકશનનું વેચાણ કરતાં બે વેપારી ઝડપાયા
ધોરાજીમાંથી બન્ને શખ્સોની ધરપકડ : 1.13 લાખના હાનિકારક ઈન્જેકશન જપ્ત
દુજાણા ઢોરને ઈન્જેકશન આપી વધુ દૂધ મેળવી ઢોરની તંદુરસ્તીને હાની પહોંચાડતાં અમુક નરાધમ શખ્સોએ ઈન્જેકશનનો વેપલો શરૂ કરી દીધો છે ત્યારે ધોરાજી પોલીસને મળેલી ચોક્કસ માહિતીને આધારે દુજાણા ઢોરની તંદુરસ્તીને હાની પહોંચાડતાં 1.13 લાખના ઈન્જેકશનો સાથે બે વેપારીની ધરપકડ કરી તેમની સામે ગુનો દાખલ કર્યો છે. ધોરાજીમાં રહેતા અખ્તર આહીરભાઈ વાલોરીયા (ઉ.45), અયાઝ આરીફભાઈ વાલોરીયા (ઉ.43)ની પોલીસે ચોક્કસ બાતમીના આધારે ધરપકડ કરી તેમના કબજામાં રહેલ 20 જેટલા બોકસ ખોલીને જોતાં તેમાંથી સુપર વૈશાલી દૂધ ધારાના ઈન્જેકશનો મળી આવ્યા હતાં જે કબજે કરી એફએસએલમાં તપાસ અર્થે મોકલતા આ ઈન્જેકશનો દુજાણા ઢોરને આપી તેમની તંદરુસ્તીને હાની પહોચાડી વધુ દૂધ મેળવવા માટે ઉપયોગમાં લેવાતા હોવાનો અભિપ્રાય આવ્યો હતો.
એફએસએલના રિપોર્ટના આધારે પોલીસે ધોરાજી બહારપુરામાં રહેતા બન્ને મેમણ વેપારીની સામે પશુ પ્રત્યે ઘાતકી વલણ રાખવા અંગેનો ગુનો નોંધી બન્નેની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવની તપાસ ધોરાજીનાં હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ ગોહેલ અને શક્તિસિંહ જાડેજાનો સ્ટાફ ચલાવી રહ્યો છે.