ચાર સપ્તાહમાં બે હજાર પોલીસની ભરતી કરાશે
રાજ્ય સરકારનું હાઇકોર્ટમાં સોગંદનામું
રાજ્યમાં પોલીસ વિભાગમાં ખાલી પદોને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 4 સપ્તાહમાં 2000 ખાલી પદો પર ભરતી પૂર્ણ કરાશે. રાજ્ય સરકાર વતી સરકારી વકીલ ગુરુશરણ વીર્કે મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠમાં માહિતી આપી. પાછલા 2 મહિનામાં કરેલી ભરતી અંગેની માહિતી પણ કોર્ટના ધ્યાને મુકાઈ હતી.પોલીસ ભરતી બોર્ડમાં પણ કાયમી અધ્યક્ષની નિમણૂક પૂર્ણ કરી હોવાની કોર્ટમાં માહિતી આપવામાં આવી હતી. ખાલી પડેલી 4723 પ્રમોશનલ પોસ્ટ પૈકી 3717 પોસ્ટ પર પણ ઝડપી કાર્યવાહી કરવામાં આવશે.
જ્યારે પોલીસમાં ખાલી પડેલી જગ્યાઓ મામલે સીધી ભરતી માટેની જાહેરાત અંગે પણ જલદી પરીક્ષા લેવાશે. ફિઝિકલ પરીક્ષા માટે જરૂૂરી ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી હતી, જે બાદ ઝડપથી જાહેરાત કરવામાં આવશે. ભરતી અંગેની વધુ સુનાવણી જાન્યુઆરી માસના બીજા સપ્તાહમાં હાથ ધરાશે.31 જુલાઈ, 2024ની દૃષ્ટિએ રાજ્યમાં 1.28 લાખ જેટલી પોલીસની મંજૂર કરાયેલી ભરતીઓ છે, જે પૈકી 33 હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. આ ખાલી જગ્યાઓ પૈકી 25,500 જેટલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે, જ્યારે 7725 જેટલી જગ્યાઓ પ્રમોશનથી ભરવામાં આવશે.