માણાવદરના બે તલાટી, સેકશન અધિકારી સસ્પેન્ડ
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં છેલ્લા સાત મહિનામાં એક પછી એક એમ છ જેટલા સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવતા તાલુકા કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. તાજેતરમાં જ જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન દ્વારા માણાવદરના આંબલીયા ગામની મુલાકાત દરમિયાન મોટા પાયે ભ્રષ્ટાચાર સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારી દ્વારા રૂૂપાવટી ગામના તલાટી મંત્રી સી. વી વકાતરને ભ્રષ્ટાચારના આરોપમાં તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત માણાવદરના આંબલીયા ગામના તલાટી મંત્રી એચ.એચ.ચોટલીયા અને તલાટી મંત્રી પી. બી ગેરેજાને પણ ફરજ દરમિયાન બેદરકારી, નાણાકીય અને વહીવટી અનિયમિતતા આચરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
માણાવદરના આંબલીયા ગામમાં 15મા નાણાપંચ હેઠળ પાણીના સંપની બાજુમાં પાણીની ટાંકીના રૂૂ. 2 લાખના કામમાં ગંભીર ભ્રષ્ટાચાર પ્રકાશમાં આવ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે યોજના અંતર્ગત હલકી ગુણવત્તાવાળી અને આઇએસઆઇ માર્ક વગરની ચાર 5000 લિટરની પીવીસી ટાંકીઓ અને નબળી પાઇપલાઇન ફીટીંગનું કામ કરવામાં આવ્યું હતું. આ કામનું કમ્પલિશન સર્ટિફિકેટ 4 ઓક્ટોબર 2024ના રોજ આપી દેવાયું હતું અને ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું હતું. જો કે, તપાસમાં ટાંકીના નીચેના ઓટા ફરતે તિરાડ જોવા મળી હતી, જેનું રિપેરિંગ કરાયું હોવા છતાં ફરીથી તિરાડ દેખાઈ રહી છે. વધુમાં, 19 માર્ચ 2025ના રોજ બીજી વખત સ્થળ તપાસ કરતાં ચોંકાવનારી માહિતી સામે આવી કે કુલ ચાર ટાંકીઓમાંથી એક ટાંકી હટાવીને તેની જગ્યાએ વોટર વેન્ડિંગ મશીન (વોટર અઝખ) મૂકવામાં આવ્યું હતું. આ તમામ ગેરરીતિઓને ધ્યાનમાં લઇ જિલ્લા વિકાસ અધિકારીએ આંબલીયા ગામના તલાટી મંત્રી એચ.એચ.ચોટલીયાને સસ્પેન્ડ કર્યા છે.
આ ઉપરાંત, આંબલીયા ગામમાં 15મા નાણાપંચ હેઠળ થયેલા સીસી રોડના કામમાં પણ મોટી ગેરરીતિ સામે આવી છે. વર્ષ 2021-22માં નવા પ્લોટ વિસ્તારમાં સીસી રોડના કામ માટે રૂૂ. 5 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી, જેમાં 1323.30 ચોરસ મીટરનું કામ મંજૂર થયું હતું. પરંતુ સ્થળ તપાસમાં 1358 ચોરસ મીટર કામ થયેલું જણાયું હતું. સૌથી ગંભીર બાબત એ છે કે રોડના ઉપરના વેરિંગ કોટમાં 70થી 75 ટકા ભાગમાં નુકસાન જોવા મળ્યું છે. આ કામનું કમ્પલીશન સર્ટિફિકેટ 21 નવેમ્બર 2025ના રોજ આપવામાં આવ્યું હતું અને સંપૂર્ણ ચુકવણું પણ કરી દેવાયું હતું. કામ પૂર્ણ થયાને બે વર્ષથી વધુ સમય અને બે ચોમાસા વીતી ગયા હોવા છતાં મોટા ભાગનો રોડ ક્ષતિગ્રસ્ત હાલતમાં જોવા મળી રહ્યો છે. આ ગંભીર બેદરકારી અને નાણાકીય અનિયમિતતા બદલ તલાટી-કમ-મંત્રી પી.બી. ગરેજાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સસ્પેન્શન દરમિયાન તેમનું મુખ્ય મથક તાલુકા પંચાયત માંગરોળ ખાતે રાખવામાં આવ્યું છે.
જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાને આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે માણાવદર તાલુકાના આંબલીયા ગામે પાણીના ટાંકા અને સીસી રોડમાં ગેરરીતિઓ દેખાતા બે તલાટી મંત્રી અને એક સેક્શન અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.