બે સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં ફરી ધોધમાર વર્ષાની આગાહી
આગામી છ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના
ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હાલમાં, રાજ્યમાં કુલ બે વરસાદી સિસ્ટમ સક્રિય છે, જે રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ લાવવા માટે જવાબદાર બનશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં વરસાદ લાવનારી મુખ્ય સિસ્ટમ્સમાં આગામી બે દિવસ બાદ ઝારખંડમાં સક્રિય થનારી લો પ્રેશર સિસ્ટમનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે અને ઉત્તર ગુજરાત તરફથી એક ટ્રફ લાઇન પસાર થઈ રહી છે. આ બંને સિસ્ટમ્સના સંયુક્ત પ્રભાવથી ગુજરાતના વિવિધ ભાગોમાં, ખાસ કરીને દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં, સારો વરસાદ જોવા મળશે.
હવામાન વિભાગે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં ખેડૂતોને વાવણી માટે યોગ્ય માહોલ મળશે અને જળસંગ્રહમાં પણ વધારો થશે. શહેરી વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી તંત્રને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગે (ઈંખઉ) ગુજરાતમાં વરસાદને લઈને નવી આગાહી કરી છે. આગામી 6 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. જોકે, ખાસ કરીને શરૂૂઆતના બે દિવસ એટલે કે આગામી 48 કલાક દરમિયાન વરસાદનું જોર ઓછું રહેશે. 48 કલાક બાદ વરસાદની તીવ્રતામાં સામાન્ય વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
વરસાદની સંભાવનાને પગલે, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. આ પગલું સંભવિત ખરાબ હવામાનથી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે.
આજે એટલે કે જૂન 21 ના રોજ પણ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યના મહાનગરોની વાત કરીએ તો, અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે, જે લોકોને ગરમીથી થોડી રાહત આપી શકે છે.