રાણી લક્ષ્મીબાઇ સ્કૂલની ધો.10ની બે છાત્રા ઘરેથી સ્કૂલે જવાનું કહી લાપતા
બંનેની પરીક્ષા ચાલુ હતી છતા એક છાત્રાએ પ્રવાસમાં જવાનું માતાને જણાવ્યું’તું: બાદમાં સ્કૂલે તપાસ કરતા બંને પહોંચી ન હતી, અપહરણનો ગુનો નોંધી શોધખોળ
શહેરના ભક્તિનગર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ રાણી લક્ષ્મીબાઇ સ્કૂલમાં અભ્યાસ કરતી ધો.10ની બે છાત્ર ઘરેથી સ્કૂલે જવાનું કહીં લાપતા થઇ ગઇ હતી. બંને છાત્રાની પરીક્ષા ચાલુ હતી આમ છતા એક છાત્રાએ તેની માતાને પ્રવાસમાં જવાનું કહ્યા બાદ સ્કૂલે જવા નીકળી હતી. જેથી માતાને શંકા જતા છાત્રાના પિતા સ્કૂલે તપાસ કરવા ગયા હતા. જ્યાં બંન્ને છાત્રા સ્કૂલે પહોંચી ન હોવાનું માલુમ પડતા આ અંગે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે માલવિયાનગર પોલીસે બન્ને છાત્રાના અપહરણ અંગેની ફરિયાદનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતી અને ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે આવેલી લક્ષ્મીબાઇ સરકારી સ્કૂલમાં ધો.10માં અભ્યાસ કરતી છાત્રાના પિતાએ માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા.18ના સવારે તેની પત્નીએ જણાવેલું કે, તેની 14 વર્ષિય પુત્રી સવારે પ્રવાસમાં જવાનું કહેતી હતી જેથી તેણીએ પુત્રીની જણાવેલ કે, તારા પપ્પાએ પ્રવાસે જવાની ના પાડી છે, સ્કૂલે જતી રહે. તેમ કહેતા પુત્રી સ્કૂલે ચાલી ગઇ હતી. જો કે, તેની પુત્રીએ સ્કૂલનો ડ્રેસ પહેર્યો ન હતો અને તેની સાથે રહેલી બહેનપણી પાસે સ્કૂલ બેગ ન હોવાથી શંકા ગઇ હતી. જેથી સગીરાના પિતા સ્કૂલે તપાસ કરવા ગયા હતા. જ્યાં તેની પુત્રી અને તેની બહેનપણી બન્ને સ્કુલે આવી જ નહીં હોવાનું જાણવા મળ્યું હતું.
બીજી છાત્રાના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ લોધેશ્ર્વર સોસાયટી વિસ્તારમાં રહે છે. તેની 16 વર્ષિય પુત્રી જે ધો.10માં અભ્યાસ કરે છે. તેણી તા.18ના ઘરેથી સ્કૂલે જવા લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતી બહેનપણીના ઘરે ગઇ હતી. જ્યાંથી બન્ને સ્કૂલે જવાના બદલે લાપતા થઇ હોવાનું જણાવ્યું હતું. આ અંગે માલવીયા નગર પોલીસે બન્ને છાત્રાના પિતાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.