તળાજામાં 80 વર્ષના પિતાને રૂપિયા 10 હજાર માસિક ભરણ પોષણ ચૂકવવા બે પુત્રોને હુકમ
દીકરાઓના નામે મિલકત કરી દીધા બાદ વૃધ્ધને તરછોડી દેતા કોર્ટે ચૂકાદો આપી સમાજમાં દાખલો બેસાડયો
આજે સમાજમાં અનેક કિસ્સાઓ એવા સામે આવે છે જેમાં વૃદ્ધ માતા હોય કે પિતા તેમના સંતાનો તેમને સાચવતા નથી.તેમાંય જ્યારે વૃદ્ધ દંપતી ખંડિત થયેલ હોય અને તેમના સંતાનો સાચવતા ન હોય ત્યારે તેમની દશા ખૂબ ખરાબ થતી હોય છે,જેને લઈ કોર્ટના દરવાજા ના છૂટકે પોતાનાજ સંતાનો વિરુદ્ધ ખખડાવવા પડે છે તેવો એક કેસ તળાજા ભરણ પોષણ ટ્રીબ્યુનલ અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ તળાજા કોર્ટમાં ચાલી જતા કોર્ટે દેવળીયા ગામે રહેતા વૃદ્ધ પિતા ને બંને સંતાનોએ પાંચ પાંચ મળી કુલ દસ હજાર દર માસે બેંક ના માધ્યમથી જમા કરાવવા હૂકમ કરી સમાજમાં વૃદ્ધ માતા પિતા ને સાચવવા ની જવાબદારી સંતાનો ની હોવાનો દાખલો બેસાડેલ છે.
વૃદ્ધ અશક્ત પિતા અથવા માતા ને સાચવવા ની જવાબદારી સંતાનો ની છે તેવી કાયદામા જોગવાઈ છે તેવો સંદેશ આપતા ચુકાદા ની મળતી વિગતો મુજબ તળાજા ના દેવળીયા ગામે રહેતા કાબાભાઈ નાનજીભાઈ પટેલ એ તેમના બે દીકરા કાનજીભાઈ જે દેવળીયા અને સુરત ના ઉતરણ, સિલ્વર પેલેસ ની સામે રહે છે.તેની અને દેવળીયા ગામે રહેતા ભરતભાઈ વિરુદ્ધ તળાજા સબ.ડીવીઝન મેજીસ્ટ્રેટ ની કોર્ટમાં વકીલ હાર્દિક ભટ્ટ દ્વારા ભરણ પોષણ નો દાવો દાખલ કરેલ હતો. આ પ્રકાર નો દાવો તળાજા મા પ્રથમ છે.
ધારાશાસ્ત્રી એ જણાવ્યું હતુ કે જમીન હાલ અરજદાર પિતા કાબાભાઈ સુતરિયા ના નામે છે. જોકે જમીન નો કબ્જો સંતાનો પાસે છે.પિતા નો દાવો છેકે બંને સંતાનો ની લાગણી જોઈને 2003-2004 ની સાલમાં સરખે ભાગે મિલ્કત આપી દીધેલ.સુરત રહેતો દીકરો મહિને એક લાખ થી વધુ કમાય છે.જયારે અહીં ખેતીકામ કરતો દીકરો વાર્ષિક આઠેક લાખ કમાય છે. અરજદાર ના પત્ની લાભુબેન 23 વર્ષ પહેલાં અવસાન પામેલ છે.અરજદાર ની ઉંમર હાલ 80 વર્ષ આસપાસ છે.તેઓ અશક્ત છે.બંને દીકરાઓ સાચવતા ન હોય મેજિસ્ટ્રેટ દ્વારા બંને દીકરાઓ ને નોટિસ આપી બોલાવવામાં આવ્યા હતા તેમાં નજીકમાં રહેતો હોવા છતાંય કોર્ટ સમક્ષ હાજર થયેલ નહિ હોવાનું નોંધી બંને દીકરાઓ દર મહિને પાંચ પાંચ મળી કુલ રૂૂ.10,000/- બેંક માધ્યમથી ચૂકવવા હુકમ કરેલ છે.સાથે માંદગી ના કિસ્સામાં બંને પુત્રોએ સરખે ભાગે ખર્ચ આપવાનો રહશે. ઉલ્લેખનીય છેકે બંને પુત્રો દ્વારા પિતાએ કરેલ અરજી ખોટી હોવાનું અને કબૂલ મંજુર હોવાનું કોર્ટ સમક્ષ દલીલ કરી હતી.