મવડીના દંપતીને ‘બેભાનિયું પાણી’ પીવડાવી 1.33 લાખની મતા લૂંટી જનાર બે લૂંટારા ઝડપાયા
નડતર દૂર કરવાની વિધીના બહાને પાણી પીવડાવી દંપતીને બેભાન કરી દીધુ’તું:સોનાના ચેઇન અને રોકડ સહિત 1.53 લાખનો મુદ્દામાલ જપ્ત
મવડીની પ્રજાપતિ સોસાયટીમાં રહેતા પરિવારના ઘરમાં ઘૂસી નડતર દૂર કરવાની વિધિના બહાને ત્રણ શખ્સે દંપતી સહિત ત્રણને બેભાન કરી સોનાના બે ચેઇન સહિતની લૂંટ ચલાવી હતી. પોલીસે એક આરોપીને ઝડપી લઈ બંને ચેઇન કબજે કર્યા હતા અને ગેંગના અન્ય બે શખ્સની શોધખોળ શરૂૂ કરી હતી.મળતી વિગતો મુજબ,પ્રજાપતિ સોસાયટીમાં રહેતા અંકિત શૈલેષભાઈ જોટાણિયા, તેના પત્ની અને તેના માતાને પાણી પીવડાવી વિધિ કરવાનું નાટક કરી ત્રણ શખ્સ સોનાના બે ચેઈન અને રોકડા રૂૂ.3500 સહિત કુલ રૂૂ.1,33,500નો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા.
આ કેસમાં તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ માહિતીના આધારે મહત્ત્વની સફળતા મેળવી હતી અને પીઆઈ હરિપરાની રાહબરીમાં પીએસઆઈ બી.આર.ભરવાડ,મયુરસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા અને હરપાલસિંહ જાડેજા સહિતની ટીમે નવા 150 ફૂટ રિંગ રોડ પર કટારિયા ચોકડી પાસેથી તાજેતરમાં જ વિધી કરવાના બહાને લૂંટ ચલાવનાર ટોળકીનો શખ્સ અહીંથી નિકળવાનો હોય તેવી માહિતીના આધારે વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં નિકળેલા બેડલાના રાયધન કાના રાઠોડને ઝડપી લીધો હતો અને તેની પાસેથી લૂંટના બંને ચેઇન કબજે કર્યા હતા.
પોલીસની આગવી ઢબની પૂછપરછમાં રાયધન રાઠોડે આ લૂંટમાં તેની સાથે કુખ્યાત શાયર ભીખા રાઠોડ(રહે.પડધરી) અને અનિલ જેસુખ નકુમ (રહે.બેડલા) ની પણ સંડોવણી હોવાની કબૂલાત આપી હતી.પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રાયધન અગાઉ એક ગુનામાં તથા શાયર રાઠોડ ચાર ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. શાયર અને અનિલ હાથ આવ્યા બાદ અન્ય કેટલાક ગુનાના ભેદ ઉકેલાવાની પણ આશા સેવાઇ રહી છે.