બે પોલીસમેને 30 લાખનું સોનું પડાવી લીધાનો આક્ષેપ
રાજકોટમાં પોલીસ પર ફરી કલંક લાગ્યુ હોય તેવી ઘટના સામે આવી છે. લીંબડીમાં સોની વેપારીએ આપઘાત કરી લીધાની ઘટનામાં મૃતકના પુત્ર અને ભાઇએ એ ડિવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા બે પોલીસમેન પર આક્ષેપ કર્યો હતો અને તેઓએ 30 લાખ રૂપિયાનું સોનું પડાવી લીધાનો આક્ષેપ કર્યો છે. આ ઘટનાને લઇ ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા હોવાનું ચર્ચાઇ રહયું છે. રાજકોટમાં રહેતા વેપારી હિરેન આડસરાના પિતા અશ્ર્વિન આડસરાએ સુરેન્દ્રનગરના લીંબડી ખાતે આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં મૃતક પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેના આધારે પોલીસે સોની વેપારી વિવેક ભુવા, મનોજ રાજપુરા, ધર્મેશ પારેખ અને અતુલ પારેખના નામ આવતા તેઓની સામે આપઘાતની ફરજ સહીતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ઘટનામાં મૃતક અશ્ર્વિનભાઇ આડેસરાના ભાઇ તેજશ આડેસરા અને તેમના પુત્ર હિરેન આડેસરાએ એ ડિવીઝન પોલીસ મથકના ડી સ્ટાફમાં ફરજ બજાવતા કિશનભાઇ આહિર અને ભગીરથસિંહ ઝાલા વિરૂધ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે.
તેઓએ આક્ષેપ સાથે જણાવ્યુ હતું કે સોની વેપારીઓએ અશ્ર્વિન આડેસરા અને તેમના પુત્ર વિરૂધ્ધ ખોટી અરજી કરી હતી અને પોલીસને હાથો બનાવી પિતા-પુત્રને પોલીસ મથકે લઇ આવી અંદાજીત 30 લાખનું સોનું પડાવી લીધાનો આક્ષેપ કર્યો છે. આ ઘટનામાં મૃતક અશ્ર્વિનભાઇ આડેસરાના ભાઇએ જણાવ્યુ હતું કે અશ્ર્વિનભાઇએ પોતાની સ્યુસાઇડ નોટમાં જણાવ્યું હતું કે પોલીસ ખોટા કેસમાં ફીટ કરવાની ધમકી આપતા તેઓને 3 લાખ રૂપિયા આપી દીધા હતા. ચારેય સોની વેપારી દ્વારા પોલીસ સાથે મળી ખોટી રીતે સોની કારીગર હિરેન આડેસરાને ફસાવ્યાનો આક્ષેપ છે તેમજ પોલીસ મથકના કિશનભાઇ આહિર અને ભગીરથસિંહ ઝાલા દ્વારા સોની કારીગરને માર મારી ગોંધી રાખ્યો હતો.
પુત્ર પર ખોટા આક્ષેપ થતા અશ્ર્વિનભાઇએ લીંબડી ખાતે આપઘાત કરી લીધો હતો. આ મામલે બંને પોલીસમેન સામે કડક કાર્યવાહી થાય માટે પોલીસ કમિશનર બ્રજેશ ઝાને રજુઆત કરવામાં આવી છે. આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા બંને પોલીસમેન સામે તપાસના આદેશ છુટયા હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહયું છે.