ઉનામાંથી 17.80 લાખના દારૂ-બીયર ભરેલા મિનિ ટ્રક સાથે બે શખ્સો ઝડપાયા
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નેસડા ગામની સીમમાં એક ટ્રકમાં દારૂ-બિયરનો જથ્થો ભર્યો હોવાની બાતમીના આધારે ગીર સોમનાથ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડી 4,110 દારૂની બોટલ અને 1008 બિયરના ટીન સહિત રૂા. 21.90 લાખનો મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતાં. જ્યારે બન્નેની પૂછપરછમાં અન્ય છ શખ્સોના નામ ખુલતા તમામની શોધખોળ શરૂ કરી છે.
ગીર સોમનાથ લોકલ ક્રાઈમ બ્રાંચના સ્ટાફે બાતમીના આધારે ઉના તાલુકાના નેસડા ગામની ગૌચરણ સીમ પાસે એક મીનીટ્રકમાં દારૂ-બીયરનો જથ્થો ભરેલો હોવાની બાતમીના આધારે દરોડો પાડી ઉનાના સનખડા માલણ વાડી પાસે રહેતા જસુ દળુ ગોહિલ અને ઉનાના વાવરડા શાહી નદીના કાંઠે રહેતા માન ભીખુ ઉર્ફે ભખા ભાલિયાને ઝડપી લઈ ટ્રકમાંથી 4,110 નંગ વિદેશી દારૂની બોટલ, 1008 બીયરના ટીન રૂા. 17.80 લાખનો દારૂ-બિયરનો જથ્થો તેમજ ટ્રક અને બે મોબાઈલ સહિત રૂા. 21.90 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. બન્ને શખ્સોની પૂછપરછમાં ઉનાના સતુ કાળુ ગોહિલ, જયેશ ઉર્ફે જયદીપ જીતુ ગોહિલ, ચેતન જીતુ ગોહિલ, નિરવસિંહ વિશા ગોહિલ, જયેશ ઉર્ફે નાગણી લખમણ વાઘેલા અને જોધુની શોધખોળ શરૂ કરી છે.