ટ્રાન્સપોર્ટના માલિક સહિત બે શખ્સે ડ્રાઇવરને માર મારી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રાન્સપોર્ટના માલિક દ્વારા ડ્રાઈવરને રસ્તામાં વાહન બગડે તો રિપેરિંગ કરાવવા બાબતે અવાર-નવાર ઝઘડા થતાં રહે છે. આજે રાજકોટમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે. જેમાં રાજકોટમાં રહેતો અને મોરબીમાં ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો યુવાન પુનાથી પરત ફરી રહ્યો હતો ત્યારે આઇસરની તૂટેલી પલેટનો ખર્ચ વસૂલવા ટ્રાન્સપોર્ટના માલિક સહિત બે શખ્સે ડ્રાઇવરને માર મારી રોકડ અને મોબાઇલની લૂંટ ચલાવી હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કોઠારીયા વિસ્તારમાં આવેલા રસુલપરામાં રહેતા સાજીદ બસીરભાઈ મલેક નામનો 21 વર્ષનો યુવાન ગત તા. 14 ના રોજ રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામાં મોરબીમાં પંચાસરા રોડ ઉપર હતો ત્યારે રાધે ક્રિષ્ના ટ્રાન્સપોર્ટના માલિક વનરાજ અને રઘા નામના શખ્સે ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો યુવકને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે મોરબી પોલીસને જાણ કરતા મોરબી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
આ અંગેની જાણવા મળતી વિગતો મુજબ આક્ષેપ કરનારે પ્રાથમિક પૂછપરછમાં સાજીદ મલેક મોરબીના પંચાસરા રોડ ઉપર આવેલા રાધે ક્રિષ્ના ટ્રાન્સપોર્ટમાં નોકરી કરે છે અને ચાર દિવસ પહેલા તે આઇસર લઈને પુના ગયો હતો અને ત્યાંથી પ્લાસ્ટિકના દાણા ભરી પરત ફરી રહ્યો હતો ત્યારે નવસારી પાસે આઇસરની પ્લેટ તૂટી જતા સાજીદ મલેકે શેઠ વનરાજને ફોન કરી પલેટ તૂટી ગયા અંગે જાણ કરી હતી જેથી વનરાજે ધીમે ધીમે ગાડી મોરબી પહોંચાડી દેવાનું કહેતા સાજીદ મલેક આઇસર લઈને મોરબી પહોંચ્યો હતો ત્યારે શેઠ વનરાજ અને રઘાએ તૂટી પડેલી પ્લેટનો ખર્ચ વસૂલવા સાજીદ મલેક સાથે ઝઘડો કરી માર્યો હતો અને સાજીદ મલક પાસે રહેલી રૂ.7000ની રોકડ અને રૂ.22,500 ની કિંમતના મોબાઇલની લૂંટ ચલાવી હોવાનો સાજીદ મલેકે આક્ષેપ કર્યો છે આક્ષેપના પગલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.