રાજકોટમાં વધુ બે હાર્ટફેઈલ: પ્રૌઢા અને આધેડનાં હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં વધી રહેલા હૃદયરોગના વધતાં બનાવે ચિંતા વધારી હોય તેમ દરરોજ બે થી ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોત થઈ રહ્યા છે ત્યારે વધુ બે બનાવમાં રાજકોટમાં કારખાનેદારના પત્ની અને લોખંડના ડેલાના ધંધાર્થી વૃદ્ધનું હદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં મવડી પ્લોટ વિસ્તારમાં આવેલા ઉદ્યોગનગરમાં રહેતા સંગીતાબેન કિશનભાઇ સંચાણીયા નામના 51 વર્ષના પ્રોઢા પોતાના ઘરે હતા ત્યારે વહેલી સવારે તેમને હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો. પ્રોઢાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ ફરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક પૂછપરછમાં સંગીતાબેન સંચાણીયાના પતિ કિશનભાઇ સંચાણીયા કારખાનું ધરાવે છે અને સંગીતાબેન સંચાણિયા એક ભાઈ બે બહેનના મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર છે સંગીતાબેન સંચાણિયાને ત્રણ દિવસથી શરદી ઉધરસ અને તાવ થાઇરોડ ડાયાબિટીસ જેવી જૂની બીમારી હતી અને રાત્રિના તાવના કારણે તબિયત સારી ન હતી તેથી મોડી રાત સુધી જાગતા હતા અને વહેલી સવારે હદયરોગનો હુમલો આવતા મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા ગોવર્ધન ચોક પાસે ક્રિષ્ના બંગલામાં રહેતા વિરેન્દ્રભાઈ માહસુખરાય ત્રિવેદી નામના 61 વર્ષના વૃદ્ધ પોતાના ઘરે હતા ત્યારે રાત્રિના બે વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે વિરેન્દ્રભાઈ ત્રિવેદીનું હૃદય રોગના હુમલાથી મોત નીપજયું હોવાની જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક વિરેન્દ્રભાઈ ત્રિવેદી ચાર ભાઈમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં બે પુત્ર છે વિરેન્દ્રભાઈ ત્રિવેદી લોખંડનો ડેલો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને વિરેન્દ્રભાઈ ત્રિવેદીને આવેલો હદરોગનો હુમલો જીવલેણ નીવડ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.