શહેરમાં હૃદયરોગના હુમલાથી વધુ બે મૃત્યુ
રાજકોટ સહિત રાજયભરમાં હાર્ટએટેકના કેસોનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યુ છે. ત્યારે શહેરમાં હૃદય રોગના હુમલાથી વધુ બે યુવાનોના ભોગ લેવાયા છે. પેડક રોડ પર કેયુર પાર્કમાં રહેતા અને માલીયાસણમા રહેતા યુવાનના હૃદય થંભી જતા પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી હતી.
જાણવા મળતી વિગત મુજબ પેડક રોડ પર આવેલા કેયુર પાર્કમાં રહેતા અલ્પેશભાઇ તળશીભાઇ કલોલા (ઉ.વ.46) ગઇકાલે સાંજે ગ્રીનલેન્ડ ચોકડી પાસે હતા ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોીસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી મરણ ગયાનું જાહેર કર્યું હતુ. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રથામિક તપાસમાં મૃતક અલ્પેશભાઇ બે ભાઇ એક બહેનમાં વચેટ અને મજૂરી કામ કરતા હતા તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. હાર્ટએટેક આવાથી મોત થયાનુ જાણવા મળ્યુ હતુ.
જયારે બીજા બનવામાં કુવાડવા હાઇ-વે પર આવેલા માલીયાસણ ગામે રહેતા વિનોદભાઇ ખોડાભાઇ સાકરીયા (ઉ.વ.44) નામનો યુવાન ગત રાત્રે પોતાના ઘરે હતો ત્યારે બેભાન થઇ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે હાર્ટએટેકથી મોત થયાનુ જાહેર કર્યું છે.આ અંગે કુવાડવા પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક બે ભાઇ બે બહેનમાં નાનો હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી હતી.