માતાએ સ્તનપાન કરાવતા દૂધ ફેફસામાં ચડી ગયું, બે માસના માસૂમ બાળકનું મૃત્યુ
રાજકોટ શહેરના આજી વસાહત પાસે ખોડીયારનગરમાં માતાએ સ્તનપાન કરાવ્યા બાદ બે માસના નવજાત પુત્રને દૂધ ફેફસામાં ચડી ગયું હતું અને થોડીવારમાં જ તે બેભાન થઈ ગયો હતો અને તેના નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું. ત્યારબાદ તેમને બેભાન હાલતમાં જ ઝનાના હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવતાં તબીબોેએ તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. બાળકના મૃત્યુથી પરિવારમાં શોક છવાઈ ગયો છે. આ અંગે થોરાળા પોલીસ સ્ટેશનના સ્ટાફે કાગળો કર્યા હતાં.
વધુ વિગતો મુજબ, 80 ફુટ રીંગ રોડ આજી વસાહત પાસે ખોડીયારનગર શેરી નં.35માં શિવશક્તિ મંડપ સર્વિસની સામે રહેતાં રાજેશભાઈ ગોડના ઘરે ગઈ તા.4-9ના રોજ જુડવા દીકરી અને દીકરાનો જન્મ થયો હતો. પરિવારમાં દીકરા અને દીકરીનો જન્મ થતાં પરિવાર ખુશખુશાલ હતો. ગઈકાલે નવજાત પુત્ર ઓમને તેમની માતાએ સ્તન પાન કરાવ્યા બાદ સુવડાવી દીધો હતો અને રાત્રીના બે વાગ્યે ફરીવાર તેમને સ્તનપાન કરાવવા માટે માતાએ તેને જગાડતા તેમના નાકમાંથી લોહી વહેવા લાગ્યા હતાં અને બાદમાં માતાએ અને પિતાને બાળકને સારવાર માટે તુરંત ઝનાના હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જ્યાં તબીબોએ બાળકને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.
આ મામલે તબીબોએ જણાવ્યું હતું કે, સ્તનપાન કરાવ્યા બાદ બાળકને ફેંફસામાં દૂુધ ચડી જતાં તેમનો શ્ર્વાસ રૂંધાઈ ગયો હતો અને જેના કારણે બાળકનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ બાળકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે લઈ જવાયો હતો અને આ મામલે થોરાળા પોલીસ સ્ટેશને પીએસઆઈ ડોબરીયાએ કાગળો કરી અને કાર્યવાહી કરી હતી. પુત્રના મોતથી પરિવારમાં શોક છવાઈ ગયો છે.
