ચોટીલા પાસે બાઈક ડિવાઈડર સાથે અથડાતા બે સગીરના મોત
એકનું ઘટના સ્થળે અને બીજાનું રાજકોટ સારવારમાં મોત નિપજતાં બન્નેે પરિવારમાં કાળો કલ્પાંત
રાજકોટ-અમદાવાદ હાઈ-વે જાણે ગોજારો બન્યો હોય તેમ જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવી રહી છે ત્યારે વધુ એક બનાવમાં ચોટીલામાં રહેતાં બે સગીર બાઈક લઈને સાંગાણી ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે સગીરે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં બાઈક ડીવાઈડર સાથે અથડાયું હતું. જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા 14 વર્ષના તરૂણનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે 17 વર્ષના સગીરે રાજકોટ સારવારમાં દમ તોડતાં બન્ને પરિવારમાં કરૂણકલ્પાંત સર્જાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ચોટીલામાં આવેલ પરમેશ્ર્વર સોસાયટીમાં રહેતાં ઓમ દેવરાજભાઈ ઓળકીયા (ઉ.17) અને તેનો મિત્ર રોશન સામાભાઈ મકવાણા (ઉ.14) બાઈક લઈને સાંગાણી ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે ચાલકે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં બાઈક ડીવાઈડર સાથે ધડાકાભેર અથડાયું હતું. બન્ને સગીર ઉલળીને રોડ પર પટાકાયા હતાં. ઘટનાને પગલે એકઠા થયેલા લોકોએ પોલીસ અને 108ની ટીમને જાણ કરી હતી. જાણ થતાં જ ચોટીલા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં તપાસ કરતાં અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા રોશન મકવાણાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
જ્યારે ઓમ ઓળકીયાને બેભાન હાલતમાં સારવાર માટે ચોટીલા બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ઓમ ઓળકીયાએ હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં કરૂણકલ્પાંત સર્જાયો હતો.
આ અંગે ચોટીલા પોલીસે નોંધ કરી બન્ને સગીર બાઈક લઈને કયાં જતાં હતાં અને બાઈક કોણ ચલાવતું હતું ? તેમજ બાઈક સ્લીપ થવાથી અકસ્માત સર્જાયો કે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટે લીધું ? તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.