કોડીનારના સિંધાજમાં ધોળા દિવસે યુવાન પર બે નર સિંહોનો હુમલો
યુવાને હિંમત કરી બૂમો પાડી પ્રતિકાર કરતા સિંહો ભાગ્યા, વન્ય પ્રાણીઓના હુમલાના વધતા જતા બનાવને લઈને ગ્રામજનોમાં ફફડાટ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં જંગલી પ્રાણીઓના વધી રહેલા હુમલા વચ્ચે સિંધાજ ગામે ધોળા દિવસે બે નર સિંહોએ એક યુવાન પર જીવલેણ હુમલો કરતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. હુમલામાં યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે.
બનાવની વિગતો એવી છે કે, સિંધાજ ગામના 35 વર્ષીય રમેશભાઈ લખાભાઇ વાઢેર સિંધાજથી છાછર તરફ જતા રસ્તા પર ખોડિયાર માતાજીના મંદિર પાસે આવેલી પોતાની વાડીએથી રોડની સામેની બાજુએ આવેલી વાડીએ રાબડે ગોળનો ડબ્બો લેવા જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક બે નર સિંહોએ તેમના પર હુમલો કરી દીધો હતો, જેના કારણે રમેશભાઈ નીચે પટકાયા હતા.સિંહોના હુમલામાં તેમને પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે, ગંભીર ઈજાઓ થવા છતાં રમેશભાઈએ હિંમત દાખવીને સિંહોનો સામનો કર્યો અને જોરજોરથી બૂમાબૂમ કરી મૂકી. યુવાનની બૂમો સાંભળીને અને પ્રતિકાર જોઈને બંને સિંહો ત્યાંથી ભાગીને નજીકની વાડીમાં જતા રહ્યા હતા.
હુમલાની જાણ થતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત રમેશભાઈને વધુ સારવાર માટે કોડીનારની રા.ના.વાળા હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.ઘટનાની જાણ થતા સિંધાજ ગામના આગેવાનો અને જામવાળા વન વિભાગની ટીમ સક્રિય થઈ હતી. આર.એફ.ઓ. બી.બી. વાળા સહિતનો સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યો હતો અને ઘાયલ યુવાનના ખબર અંતર પૂછીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગ દ્વારા ઘટનાસ્થળનો સર્વે કરીને ટીમો મોકલી પાંજરા મુકાવવામાં આવ્યા છે.
આર.એફ.ઓ બી.બી વાળાએ જણાવ્યું હતું કે, "આ બંને સિંહ મેટિંગ પિરિયડમાં હોય, જેને લઈ આ યુવાન અને સિંહો સામે પસાર થયા હોય અને આ ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન છે. હાલ બંને સિંહોની ઉપર વન વિભાગની ટીમ મૂકી ટ્રેક કરીને ત્યાંથી દૂર ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છેકે કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડા અને સિંહ જેવા રાની પશુઓના હુમલા વધતા સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. લોકોએ વન વિભાગ સિંહને પકડીને દૂર જંગલમાં છોડી મૂકે તેવી તાત્કાલિક માગણી કરી છે, જેથી કરીને લોકો પોતાના રોજિંદા કામ સુરક્ષિત રીતે કરી શકે.