ભુજના લુડિયા બાયપાસ નજીક ઇકો કાર અને બસ વચ્ચે અકસ્માત, બેના મોત
ઇકોનો બુકડો થતાં બંન્ને મૃતદેહોને પતરા કાપી બહાર કઢાયા
દિવાળીના સપરમા દિવસો શરૂૂ થઇ ચૂક્યા છે તે વચ્ચે લુડિયા બાયપાસ પર ઇકો કાર અને લક્ઝરી બસ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવકનાં મોતથી અરેરાટી વ્યાપી છે. ખાવડા બાજુના ખારીના 20 વર્ષીય મહાવેશ ખીમજીભાઇ આહીર અને ખાવડાના નવાવાસના 17 વર્ષીય તરુણ એવા ઇમામ હાસમ સમાનાં મોતથી ગમગીની છવાઇ હતી. આ ગોઝારા અકસ્માત અંગે પોલીસ તથા સંબંધિત સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ લક્ઝરી બસ નં. જીજે-12-બીટી-4455 ખાવડાથી ભુજ આવી રહી હતી અને ઇકો કાર નં. જીજે-12-એફઇ-1716વાળી ભુજથી ખાવડા બાજુ જતી હતી ત્યારે સાંજે 4 વાગ્યાના અરસામાં બંને વાહન લુડિયા બાયપાસ માર્ગ પરથી પસાર થઇ રહ્યાં હતાં, ત્યારે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો.
કાર બુકડો વળી ગઇ હતી અને યુવાન મહાવેશ સ્ટીઅરિંગ પર જ ચગદાઇ જતાં કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે બસમાં સવાર ઇમામને પણ ગંભીર ઇજા પહોંચતાં મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જાતાં બસ સવાર પ્રવાસીઓની કિકિયારીથી વાતાવરણ ગૂંજી ઊઠયું હતું. આ અકસ્માત બાદ માર્ગની બંને બાજુ ટ્રાફિક અવરોધાયો હતો અને વાહનોની લાંબી કતાર લાગી હતી. આ ગોઝારા અકસ્માતના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અરેરાટી વ્યાપી હતી. બંને યુવાનને ખાવડાની સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતા. ખાવડા પોલીસે ફરિયાદ દાખલ કરવા સહિતની કામગીરી આદરી છે.
