જામનગરમાં જૂનવાણી મકાનની છત તૂટતા બેને ઇજા
મોટાપીર ચોકના બનાવના પગલે ફાયર વિભાગ દોડ્યું, ત્રણ વ્યક્તિને બચાવાયા
જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગૂન વાલા હોસ્પિટલ નજીક મોટા પીર ચોક વિસ્તારમાં એક જુનવાણી મકાન, કે જેમાં રાત્રિના પોણા ચાર વાગ્યા આસપાસ ઉપરનો છતનો હિસ્સો ધડાકાભેર ધસી પડતાં ભારે અફડા તફડી સર્જાઇ હતી, અને મકાનના નીચેના ભાગમાં રહેતી બે વ્યક્તિ કાટમાળમાં દબાઈ હતી. જે બંનેને બહાર કાઢી લઈ, સારવારમાં પહોંચાડ્યા હતા, ઉપરાંત ઉપરના માળે રહેતા બે બાળકો અને એક મહિલાને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી લેવાયા હતા. આ દુર્ઘટના ને કારણે આસપાસના લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. પોલીસ તંત્ર એ પણ આવી જઇ સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો હતો. ઉપરાંત એસ્ટેટ શાખાની ટીમ દ્વારા જર્જરિત મકાનનો અન્ય હિસ્સો તોડી પાડવાની કાર્યવાહી ચાલી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં મોટા પીર ચોક વિસ્તારમાં આવેલા એક જુનવાણી મકાનનો જર્જરીત ઉપરના માળનો હિસ્સો ધસી પડ્યો હતો, જેના કારણે નીચેના ભાગમાં રહેતા રજીયાબેન અબ્દુલભાઈ સાટીનામના 58 વર્ષના પ્રૌઢ મહિલા, ઉપરાંત હુસેનભાઇ મુસાભાઇ સાટી નામના 61 વર્ષ ના બુઝુર્ગ કે જેઓ ઉપર કાટમાળનો હિસ્સો પડવાના કારણે નાની મોટી ઈજા થઈ હતી.
આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટુકડી તાત્કાલિક દોડતી થઈ હતી. ફાયર શાખાના સ્ટેશન ઓફિસર ઉમેશ ગામેતી, જયંતિ ડામોર, એપલ વારા સહિતની ફાયર ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને ત્વરિત રેસ્ક્યુ કામ હાથ ધર્યું હતું.
આ બનાવ બન્યો ત્યારે ધડાકા સહિતનો અવાજ થવાના કારણે અને ઈજાગ્રસ્તોની ચીસ ના કારણે આસપાસના લોકો સફાળા જાગી ઉઠ્યા હતા, અને સ્થળ પર એકત્ર થયા હતા. ઉપરાંત સ્થાનિક વિસ્તારના આગેવાનો પણ આવી પહોંચ્યા હતા. ત્યારબાદ પોલીસને આ ઘટનાની જાણ થવાથી દરબારગઢ પોલીસ ચોકીના પીએસઆઇ ડી.જી. રામાનુજ પોતાની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા, અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. ઉપરોક્ત મકાનનો બાકીનો જર્જરીત હિસ્સો, કે જે ધસી પડે તેમ હોવાથી સમગ્ર વિસ્તારને ખાલી કરી દેવાયો છે, અને એસ્ટેટ શાખા ની ટૂકડી દ્વારા બાકીના મકાનના ભાગનું ડીમોલેશન કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.