બોક્સ ક્રિકેટ રમીને ઘરે આવેલા યુવાન સહિત બેના હૃદય થંભી જતા મોત
શાંતિનગર અને રૈયા ગામના બંને યુવાનના હૃદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં કલ્પાંત
રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાનો ખતરો વધી રહ્યો હોય તેમ દિન હૃદયરોગના હુમલાના કારણે અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે રાજકોટમાં વધુ વધુ બે યુવકને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે. જેમાં બોક્સ ક્રિકેટર રમીને ઘરે પરત ફરેલા યુવાન સહિત બેના હાર્ટ એટેકથી મોત નીપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રામાપીર ચોકડી નજીક શાંતિનગર ગેઇટ સામે રહેતો જીગ્નેશ અતુલભાઇ ઠક્કર નામનો 32 વર્ષનો યુવાન રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં યુવકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ તબીબે જોઈ તપાસી યુવકનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં જીગ્નેશ ઠક્કરના પિતા હયાત નથી અને જીગ્નેશ ઠક્કર એકની એક બહેનનો એકનો એક ભાઈ અને માતાનો આધાર સ્તંભ એકલોતો પુત્ર હતો. જીગ્નેશ ઠક્કર રાત્રીના બોક્સ ક્રિકેટ રમીને ઘરે પરત ફર્યા બાદ હદયરોગનો હુમલો આવતા મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં રૈયા ગામ વિસ્તારમાં આવે ખોડીયાર મંદિર પાસે રહેતા કરશનભાઈ મશરૂૂભાઈ ઝાપડા નામનો 38 વર્ષનો યુવાન રાત્રીના અગિયારેક વાગ્યા અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે હદયરોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં યુવકનું હોસ્પિટલના બિછાને મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક કરશન ઝાપડા ત્રણ ભાઈ એક બહેનમાં નાનો હતો અને તેને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.