પડધરી હાઈ-વે ઉપર મોટર સાઈકલ લઈને જતાં બે મિત્રોને અકસ્માત, એકનું મોત
સાત દિવસ પૂર્વના બનાવમાં ઘવાયેલા યુવાનનું રાજકોટ હોસ્પિટલમાં મોત
પડધરીનાં ખજુરડી ગામે ખેત મજુરી કરતાં બે મિત્રો પડધરી નજીક બાઈક લઈને જઈ રહ્યાં હતાં ત્યારે બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ઘવાયેલા ચાલકનું 7 દિવસની ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, પડધરી તાલુકાના ખજુરડી ગામે ખેત મજુરી અર્થે આવેલા મેરચંદ સનતીયાભાઈ બામનીયા (ઉ.34) અને નાનકાભાઈ ગહવાનભાઈ ભુરીયા બાઈક લઈને રાજકોટ જામનગર હાઈવે પર પડધરી રેલવે બ્રીજ પરથી 7 દિવસ પૂર્વે પસાર થઈ રહ્યાં હતાં ત્યારે મેરચંદ બામનીયાએ ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં બાઈક સ્લીપ થયું હતું. બાઈક અકસ્માતમાં ઘવાયેલા બન્ને મિત્રોને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. જેમાં ગંભીર રીતે ઘવાયેલા મેરચંદ બામણીયાનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન મુળ મધ્યપ્રદેશનાં વતની હતો. મેરચંદ બામણીયા છ ભાઈ ચાર બહેનમાં વચેટ હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પડધરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.