સોમનાથ દર્શન કરતી વેળાએ જૂનાગઢ પાસે બંધ ડમ્પર પાછળ કાર ઘૂસી જતા રાજકોટના બે મિત્રોના મોત
અકસ્માતમાં ત્રણને ઇજા, ડમ્પરના ચાલક સામે ગુનો નોંધાયો
જૂનાગઢના નવા બાયપાસ પર ગતરાત્રીના કાર રોડ પર પાર્ક થયેલા ડમ્પર પાછળ ઘુસી જતા રાજકોટના બે યુવાન મિત્રોનું મોત થયું હતું. જ્યારે ત્રણ મિત્રોને ઇજા થતા તેઓને સારવારમાં ખસેડાયા હતા. આ અંગે ફરિયાદ થતા તાલુકા પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવથી ગમગીની વ્યાપી ગઈ હતી.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના 80 ફૂટ રોડ પર આવેલી રજત સોસાયટીમાં રહેતા અને વાંકાનેર મોરબી હાઇવે પર આવેલા કારખાનામાં ખાનગી નોકરી કરતા ઉમેશભાઈ હરિલાલ પરમાર (ઉ.વ.34) અને તેના મિત્રો ભાર્ગવભાઈ ચમનભાઈ ભીમાણી, કેયુરભાઈ વશરામભાઇ વાંસજાળીયા, શિવમભાઈ કાંતિભાઈ બોડા અને સાવનભાઈ પ્રવિણભાઈ ભાલોડીયા ગતરાત્રીના 11 વાગ્યા આસપાસ રાજકોટથી સોમનાથ દર્શન કરવા જવા નીકળ્યા હતા. સાવનભાઈ ભાલોડીયા કાર ચલાવતા હતા. તેની બાજુની સીટમાં શિવમભાઈ બોડા બેસેલ હતા.
આશરે અઢી વાગ્યા આસપાસ નવા બાયપાસ પર વધાવી ગામના પાટિયા પાસે બ્રિજ નીચે કાર ઉતારતા ત્યાં રોડની સાઈડમાં એક ડમ્પર પાર્ક કરેલું હતું, જેમાં રેડિયમના પટ્ટા કે બ્રેક લાઈટ ચાલુ ન હતી. પાછળ આવતી કારના ચાલકે સાઈડ લેવા હોર્ન મારતા સાવનભાઈએ સાઈડમાં લેતા તેની કાર બંધ ડમ્પર પાછળ ઘૂસી ગઈ હતી, જેમાં સવાર તમામ મિત્રોને ઇજા થઇ હતી. આસપાસના લોકો અને વાહનચાલકોએ આવી ઇજાગ્રસ્તને બહાર કાઢી 108માં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર ખાતે ખસેડયા હતા. જ્યાં કેયુરભાઈ અને શિવમભાઈને મૃત જાહેર કરાયા હતા. જ્યારે ઉમેશભાઈ, સાવનભાઈ અને ભાર્ગવભાઈને ઇજા થતાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ અંગે ઉમેશભાઈ પરમારે ફરિયાદ કરતા તાલુકા પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સોમનાથ દર્શન કરવા જતી વખતે બે યુવાન મિત્રોના મોત અને ત્રણને ઇજા થતાં ગમગીની વ્યાપી ગઇ હતી.