બે મિત્રોએ દારૂમાં એસિડ ભેળવી પી લેતાં તબીયત લથડી
શાપરમાં બનેલી ઘટના; બન્ને યુવકને બેશુધ્ધ હાલતમાં સારવારમાં ખસેડાયા
નશા બુરી ચીઝ હૈ, સુત્રને સાર્થક કરતી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. જેમાં છાશવારે દારૂના નશામાં નસેડીઓ જવલંનશીલ પ્રવાહી ગટગટાવી લેતાં હોવાની અને જાહેરમાં મારામારી કરતાં હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે વધુ એક બનાવમાં શાપરમાં આવેલા પાન ગેઈટ અંદર બે મિત્રોએ બે કોથળી દારૂમાં એસિડ ભેળવી પી લીધું હતું.એસિડ ભેળવેલો દારૂ પીધા બાદ બન્ને યુવકની તબિયત લથડતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગતમાં શાપરમાં રહેતાં અને ચાની હોટલમાં કામ કરતાં યુવરાજ ગુલાબભાઈ રાઠોડ (ઉ.19) અને ડ્રાઈવીંગ કામ કરતાં વિશાલ રાજુભાઈ પરમાર (ઉ.18) બન્ને રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં શાપરમાં આવેલા પાન ગેઈટ અંદર હતાં ત્યારે એસિડ મીકસ કરેલો દારૂ પી જતાં બન્નેને તબિયત લથડી હતી. બન્ને યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતાં શાપર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં યુવરાજ રાઠોડ બે ભાઈ બે બહેનમાં નાનો છે અને તેના પિતા હયાત નથી. યુવરાજ રાઠોડ ચા ની હોટલમાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરે છે. જ્યારે વિશાલ પરમાર બે ભાઈ બે બહેનમાં વચેટ અને વિશાલ પરમાર ડ્રાઈવીંગ કામ કરી પરિવારને આર્થિક મદદ કરે છે.
રાત્રીના સમયે વિશાલ પરમાર દારૂની બે કોથળી લઈને તેમાં એસિડ ભેળવી પી ગયો હતો. મજાવે છે તેવું કહેતા વિશાલ બાદ યુવરાજ રાઠોડે પણ એસિડ ભેળવેલો દારૂ પી લીધો હતો.એસીડ મીકસ કરેલો દારૂ પીધા બાદ બન્નેની તબિયત લથડી હતી. જેમાં યુવરાજ રાઠોડ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે શાપર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.