ભાડલા નજીક કારે બાઈકને અડફેટે લેતાં મંદિરે પૂનમ ભરવા જતાં બે મિત્રોનાં મોત
રાજકોટ જીલ્લાના ભાડલા નજીક આવેલા ગેલ માતાજીના મંદિરે પુનમ ભરવા જઇ રહેલા બે મિત્રોના બાઇકને કારના ચાલકે ઉલાળતા બંનેને ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત હાલતમા બંનેને સૌપ્રથમ ભાડલા બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમા ખસેડાતા બંનેના સારવાર બાદ મોત નિપજતા પરીવારમા શોક છવાઇ ગયો છે.
વધુ વિગત મુજબ ગોંડલના મોવૈયા રોડ પર સાગર સિમેન્ટ પાસે રહેતા બાલાભાઇ વિજાભાઇ સાકળીયા (ઉ.વ. પર) અને તેમના મિત્ર ભુપતભાઇ પ્રાગજીભાઇ કુમારખાણીયા (ઉ.વ. પર) બંનેને આજે બુધવાર હોય જેથી કામ પર રજા હોવાથી પુનમ ભરવા માટે ભાડલા નજીક આવેલા ગેલ માતાજીના મંદિરે બાઇક લઇને ડબલ સવારીમા નિકળ્યા હતા. ભાડલા નજીક પહોંચતા પુરઝડપે આવી રહેલી કારના ચાલકે બાઇકને ઉલાળતા બંને મિત્રો રસ્તા પર ફંગોળાયા હતા અને ગંભીર ઇજાને કારણે સૌ પ્રથમ તેઓને ભાડલા બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલે ખસેડવામા આવતા બંનેના સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા પરીવારમા શોક છવાઇ ગયો છે.
મૃતક બાલાભાઇ ચાર ભાઇમા ત્રીજા નંબરના હતા અને પોતે મજુરી કામ કરી પરીવારનુ ગુજરાન ચલાવતા હતા તેમજ તેમને સંતાનમા એક દિકરો અને એક દિકરી છે તેમજ મૃતક ભુપતભાઇને સંતાનમા બે દિકરા છે અને પોતે બે ભાઇ 3 બહેનમા મોટા હતા. બંને મિત્રોના મૃત્યુથી પરીવારમા શોક છવાઇ ગયો છે. આ ઘટનાની જાણ હોસ્પીટલ ચોકીના સ્ટાફે ભાડલા પોલીસને કરતા પોલીસે રાજકોટ પહોંચીકાર ચાલક વિરૂધ્ધ કાર્યવાહી કરવા તજવીજ શરૂ કરી છે.