રેરાના ભંગ બદલ ઈન્ફિનિટી ટાવરના બિલ્ડરના 1.28 કરોડના બે ફ્લેટ જપ્ત
વિદેશ નાસી ગયેલા બિલ્ડરે એક જ ફ્લેટ અનેકને વેચી નાખ્યા, ઉપરથી ફ્લેટ પર લોન પણ લઈ લીધી હતી
રાજકોટ શહેરનો વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેમાં બાંધકામક્ષેત્રે જોરદાર હરીફાઈ જોવા મળી રહી છે. ત્યારે કાલાવડ રોડ ઉપર ઈન્ફોનીટી ટાવર બનાવનાર બિલ્ડરે રેરાનો ભંગ કર્યો હોવાનું બહાર આવતા તેની સામે રેરાના ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. એક વર્ષ સુધી નોટીસ ઈસ્યુ કરવા છતાં બિલ્ડર હાજર નહીં રહેતા 1.28 કરોડના બે ફ્લેટ મામલતદાર દ્વારા આજે જપ્ત કરવામાં આવ્યા હતાં.
રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ ઈન્ફોનીટી ટાવર નામના બિલ્ડીંગ જાણીતા બિલ્ડર ધીરેન્દ્ર અમૃતલાલ ધોરડાએ બનાવ્યા હતાં.આ બિલ્ડીંગના બ્રોસર બિલ્ડરે બહાર પાડ્યા હતાં. જેમાં બીજામાળે અને ચોથા માળે આવેલ બે ફ્લેટ અનેક વ્યક્તિઓને વહેંચી નાખ્યા હતાં. એટલું જ નહીં પરંતુ આ ફ્લેટ ઉપર બિલ્ડરે લોન પણ લઈ લીધી હતી.
ઈન્ફોનીટી ટાવરમાં એક જ ફ્લેટ અનેક આસામીઓને વહેંચી નાખી લોન લીધા બાદ બિલ્ડર વિદેશ નાશી ગયો હતો. એપાર્ટમેન્ટમાં એડવાન્સ બુકિંગ કરાવનાર આસામીઓને ફ્લેટનો કબ્જો નહીં મળતા અંતે રેરામાં ફરિયાદ કરી હતી. જેના પગલે રેરા દ્વારા છેલ્લા એકવર્ષથી બિલ્ડરને નોટીસ ઈસ્યુ કરી હાજર રહેવા હુકમ કર્યો હતો. પરંતુ વિદેશ નાશી ગયેલા બિલ્ડર ધિરેન્દ્ર ધોરડા રેરા સમક્ષ હાજર રહ્યો ન હતો.
અનેક નોટીસ ઈસ્યુ કરવા છતાં બિલ્ડર હાજર ન રહેતા વિવાદાસ્પદ ફ્લેટનો કબ્જો મેળવવા રેરાએ પશ્ર્ચિમ મામલતદારને લેખીતમાં જાણ કરી હતી. જેના આધારે પશ્ર્ચિમ મામલતદાર યોગેશ શુકલા અને નાયબ મામલતદાર મહિધરસિંહ ઝાલાએ ઈન્ફોનીટી ટાવરના બીજા અને ચોથા માળે આવેલ વિવાદાસ્પદ બે ફ્લેટ જપ્ત કરી સીલ મારી દીધા હતાં.
રેરા ભંગનો કેસમાં સૌપ્રથમ વખત બિલ્ડરના ફ્લેટ જપ્ત કરવામાં આવ્યા હોવાના આ પ્રથમ કિસ્સાએ રાજકોટ બિલ્ડર લોબીમાં ભારેચકચાર જગાવી છે. કોઈપણ બિલ્ડર બ્રોસર પ્રમાણે સુવિધા કે, ફ્લેટ ન આપે તો આવા બિલ્ડરો સામે રેગ્યુલેટર ઓથોરીટી સમક્ષ (રેરા)માં ફરિયાદ કરી શકાય છે.