માધવપુરના દરિયામાં પીલાણું પલટી જતાં બે માછીમારના મોત, ત્રણનો બચાવ
પોરબંદર નજીકના માધવપુર પાસે ફિશિંગ કરવા ગયેલ એક પીલાણું ટેકનીકલ ખામીને લીધે એન્જિન બંધ પડી જતા તોફાની દરિયામાં ફસાઈ ગયું હતું અને પલ્ટી ખાઈ જતા બે માછીમારોના મોત થયા છે જયારે ત્રણ ખલાસીઓનો બચાવ થયો છે.
બનાવની વિગત એવી છે કે પોરબંદરના જયેશભાઈ કાનજીભાઈ ગોહલેલનું જય ખેતલીયા દાદા નામનું પીલાણું ફિશિંગ માટે પાંચેક દિવસ પહેલા રવાના થયું હતું અને તેમાં પાંચ ખલાસીઓ મૂળ દ્વારકાના શશીભાઈ નાથુભાઈ સોલંકી (ઉ.વ.પર), ધામરેજ બંદરના મંગાભાઈ ગોવિંદભાઈ ચાવડા (ઉ.વ.પ3), ધામરેજના હાજાભાઈ લાખાભાઈ લોઢારી (ઉ.વ.પ4), કોડીનારના તુલસીભાઈ લાખાભાઈ પાંજરી (ઉ.વ.46) મૂળ દ્વારકાના સંજય કાનજીભાઈ ચૌહાણ (ઉ.વ.48) માછીમારી માટે રવાના થયા હતા અને ર6 તારીખે રવાના થયા બાદ તેઓનું પીલાણું માધવપુર નજીક હતું ત્યારે કોઈ કારણોસર ટેકનિકલ ક્ષતિ સર્જાઈ હતી.
એન્જિનમાં ખામી અને પેટ્રોલ ખલાસ થઈ જતા તેમનું પીલાણું આમતેમ ફંગોળાવા લાગ્યું હતું. આથી ખલાસીઓએ તેને કાંઠે લાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમાં સફળતા મળી ન હતી અને અંતે માધવપુર અને પાતા વચ્ચેના દરિયામાં પીલાણું પલ્ટી ખાઈ ગયું હતું અને પાંચે પાંચ ખલાસીઓ તોફાની દરિયામાં ઉછળતા મોજા વચ્ચે બચવા માટેની કોશિષ કરવા લાગ્યા હતા.
લગભગ બે કલાક સુધી દરિયાના તોફાની મોજા સાથે બાથ ભીડીને હાજા લોઢારી, તુલસી પાંજરી અને સંજય ચૌહાણ પાતા નજીક કાંઠે આવી ગયા હતા. જયારે બે ખલાસીઓ શશીભાઈ સોલંકી (ઉ.વ.પર) અને મંગાભાઈ ચાવડા (ઉ.વ.પ3) બંને દરિયા સામે બાથ ભીડવાની કોશિષ કરી રહ્યા હતા ત્યારે અંતે હિંમત હારી ગયા હતા અને સમુદ્રમાં ડૂબી ગયા હતા.
શોધખોળ દરમિયાન પાતા નજીક પીલાણું અને એક ખલાસીની લાશ મળી હતી. આથી માધવપુર પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ એ જ વિસ્તારમાંથી બીજા ખલાસીનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. બે વ્યક્તિઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવસિંહજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જયારે બચી ગયેલા ત્રણ ખલાસીઓને પણ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. બનાવની જાણ થતા માછીમાર આગેવાન જીવનભાઈ જૂગી સહિત અન્ય અગ્રણીઓ પણ હોસ્પિટલે દોડી ગયા હતા અને પોલીસની તથા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.