ધ્રોલમાં સરકારી જમીન પર દબાણના એક જ કેસમાં દંડના બે અલગ અલગ હુકમ
ધ્રોલમાં સરકારી ખરાબાની જમીન પર દબાણ કરવાના કેસમાં મામલતદાર કચેરી વિવાદોના વંટોળે ચડી છે. ધ્રોલ-જોડિયા રોડ પર ચામુંડા પ્લોટ પાસે આવેલા ખરાબામાં માલધારી વરવાભાઈ પશુપાલનનો વ્યવસાય કરી ગુજરાન ચલાવે છે. પરંતુ માલધારી વરવાભાઈ માંડાભાઈ ગોલતરને 20 વર્ષથી 12 વિઘા સરકારી ખરાબા જમીનમાં અનધિકૃત કબજો કરવા બદલ ધ્રોલ મામલતદાર દ્વારા 8,33,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આટલો મોટો દંડ આવતા માલધારીના પરિવારમાં ચિંતા પ્રસરી છે.
પરંતુ બાદમાં RTI માં માગેલી માહિતીના ચુકાદાની ખરી નકલ બહાર આવતા આશ્ચર્યજનક ગોટાળો સામે આવ્યો છે. RTI મુજબ વરવાભાઈએ માત્ર 2 વર્ષથી જ ખરાબાનો ગેરકાયદે ઉપયોગ કર્યો છે અને તેના બદલામાં તેમને રૂૂપિયા 83,000નો દંડ ભરવા હુકમ કરવામાં આવ્યો છે. ત્યારે અહીં અનેક સવાલ ઉભા થયા છે કે એક જ કેસમાં મામલતદાર કચેરીમાંથી બે જુદા-જુદા ઓર્ડર કેમ?. દબાણ કરનારને વધારે રકમનો ઓર્ડર મોકલીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કોણે કર્યો? ઓફિસની ફાઈલમાં ઓછી રકમનો અસલ ઓર્ડર રાખી બહાર અલગ ઓર્ડર મોકલાવવાનો ગોટાળો શા માટે થયો?
આ કિસ્સાએ ધ્રોલ તાલુકા મામલતદાર કચેરીની પારદર્શિતા પર મોટો પ્રશ્નચિહ્ન મુકાયો છે. મામલતદારના દંડ ઓર્ડરમાં થયેલા આ ઘાલમેલને લઈને હવે પ્રજા વચ્ચે ભારે અસંતોષ ફેલાયો છે. જાગૃત નાગરિક રાજેશભાઈ પરમારે આ મામલો ઉજાગર કર્યો છે. તેમણે મામલતદારને લેખિતમાં જાણ કરી છે અને આક્ષેપ કર્યો છે કે ધ્રોલ મામલતદાર કચેરીમાં અગાઉ પણ આવા અનેક હુકમોમાં ગોટાળા થયેલા છે. જો આ અંગે વધુ તપાસ હાથ ધરાશે તો કચેરીની અંદર દબાણ કેસમાં સંકળાયેલા પઓર્ડર ગોટાળાથના અનેક ભેદ બહાર આવવાની શક્યતા છે.