જૂનાગઢના જામકા પાસે રિક્ષા પુલ પરથી નદીમાં ખાબક્તા બેનાં મોત
જૂનાગઢ તાલુકાના જામકા પાસે ઓટો રિક્ષા પુલ પરથી નીચે ખાબકતા દબાઈ જવાથી જૂનાગઢના બે યુવકોના ઘટના સ્થળે જ ગંભીર ઈજા થવાથી મોત નીપજ્યા હતા. આ બનાવની સવારે જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહોને પીએમમાં ખસેડયા હતા. બંને મૃતક યુવાનની આધારકાર્ડ પરથી ઓળખ થઈ હોવાનું જાણવા મળે છે.
જૂનાગઢ તાલુકાના જામકા પાસે ગત મોડી રાત્રે પાણખાણ નદીના પુલ પર જતી રિક્ષા પુલ પરથી નીચે નદીમાં ખાબકી હતી. રાત્રિના સમયે થયેલા બનાવ અંગે સવારે તાલુકા પોલીસને જાણ થતા ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સ્થળ પરથી રિક્ષા નીચે દબાયેલા બે યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા.
પોલીસે જણાવ્યું કે આધારકાર્ડના આધારે તપાસમાં એક નામ ચુનીલાલ કાનજી ચોટલીયા અને બીજા યુવાનનું ફેઝલ હુસેન મુસાણી અને બંને જૂનાગઢના હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. યુવકોના મોતથી તેમના પરિવારમાં શોકનું મોજુ પ્રસરી ગયું હતું. પોલીસ દ્વારા બંને યુવકોના મૃતદેહને હોસ્પિટલે પીએમમાં ખસેડી રિક્ષા ક્યા કારણોસર પુલ નીચે પડી હતી તે અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.