ઓખામાં હાર્ટએટેકથી બેનાં મોત
ખંભાળિયા તાલુકાના કુવાડીયા ગામે રહેતા વજશીભાઈ રામજીભાઈ ચાવડા ગઈકાલે સોમવારે કુવાડીયા ગામની નદી નજીક પોતાની ભેંસો લઈને પાણી પીવડાવવા ગયા હતા. ત્યારે અકસ્માતે તેમનો પગ લપસી જતા નદીના પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ રામદેભાઈ ખીમાભાઈ ચાવડા (ઉ.વ. 42) એ અહીંની પોલીસને કરી છે.
બીજા બાનવમાં કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા રાજેશભાઈ અરજણભાઈ વાઘેલા નામના યુવાન તેમના ઘરની બાજુમાં આવેલા એક આસામીના પડતર વાડામાં પડેલા લાકડાને દૂર કરવા જતી વખતે અહીંથી પસાર થતાં જીવંત વીજ વાયરના ખુલ્લા છેડાને અડકી જતા તેમને જોરદાર વીર કરંટ લાગ્યો હતો. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા અરજણભાઈ કરસનભાઈ વાઘેલાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
તેમજ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા અને મૂળ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મૂળ રહીશ પ્રવીણભાઈ ભગવાનભાઈ ટંડેલ નામના 54 વર્ષના માછીમાર આધેડને ગઈકાલે સોમવારે બપોરે તેમની લક્ષ્મીદેવી નામની બોટમાં આરામ કરતી વખતે છાતીમાં દુખાવો પડ્યા બાદ તેમને હાર્ટ એટેક આવી જવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ અશોકભાઈ બાબુભાઈ ટંડેલએ ઓખા મરીન પોલીસને કરી છે.
અન્ય એક બનાવમાં દ્વારકા તાબેના ખતુંબા ગામની વાડી વિસ્તારમાં રહેતા ઓઘડભા ભીખાભા સુમણીયા નામના 58 વર્ષના આધેડને હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ થયું હોવાની જાણ કિશનભા પબુભા સુમણીયાએ દ્વારકા પોલીસને કરી છે.