બહુચરાજીમાં પોલીસ કોન્સ્ટેબલની કારે રિક્ષાને ઉડાડતા બેના મોત, 4 ગંભીર
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાળા રોડ પર કાયદાના રક્ષક ગણાતા એક પોલીસ કોન્સ્ટેબલની બેફામ ડ્રાઇવિંગને કારણે બે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, બહુચરાજી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ બાબુ ચોધરી પોતાની ખાનગી કાર પુરપાટ અને બેફામ ગતિએ ચલાવી રહ્યા હતા. બ્રાહ્મણવાળા રોડ પર તેમની કારે રોડ પર જઈ રહેલી એક રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
આ અકસ્માતમાં રિક્ષામાં સવાર બે લોકોનું ઘટનાસ્થળે જ કરૂૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનાને પગલે ઘટનાસ્થળે હાજર લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા અને મૃતકોના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.આ ઘટનાની જાણ થતાં જ ચાણસ્મા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ચાણસ્મા પોલીસે બેફામ કાર ચલાવનાર કોન્સ્ટેબલ બાબુ ચોધરી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે. પોલીસે કારને જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. આ ગંભીર બેદરકારી બદલ પોલીસ કોન્સ્ટેબલ સામે વિભાગીય પગલાં લેવાય તેવી પણ સંભાવના છે.