બસપોર્ટમાં જગ્યાના અભાવે બે બસ અથડાઇ
રિવર્સમાં લેવા સમયે બનેલો અકસ્માત, એક બસનો કાચ ફૂટતા ડ્રાઇવરને 5000નો દંડ
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, નાગજીભાઈ વિરાણી લાખાણી પ્રવીણભાઈ કમલેશભાઈ પારેખની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટનું એસ.ટી બસપોર્ટ એ થાળી ભાંગીને વાટકો કરતા બસો માટે પૂરતી જગ્યા ન હોવાને પગલે નાના મોટા અકસ્મતો રોજિંદા બન્યા છે. આજે એન્ટ્રી ગેટ પાસે અનઅધિકૃત રીતે પાર્કિંગ કરેલી બે ઇલેક્ટ્રી સીટી બસમાંથી GJ01K T246 રાજકોટ હીરાસર રાજકોટ રૂૂટની બસમાં સુરત ડેપોની જુનાગઢ-બરોડા-સુરત રૂૂટની બસ નંબર 18-Z T 0144 બસ પ્લેટફોર્મ નંબર ત્રણ પરથી રિવર્સ લેતી વખતે ભટકાઈ હતી.
સદનસીબે આ બે બસ વચ્ચે મુસાફરની અવરજવર હતી નહીં અન્યથા જાનહાની થવાની સંભાવના પૂરેપૂરી હતી થોડા સમય પહેલા ગેટ પાસે જ બે બસની વચ્ચે એક 24 વર્ષનો યુવાન ચગદાઈ જતા ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ બે બસ વચ્ચેની ટક્કરના પગલે રાજકોટ હિરાસર બસનો ફ્રન્ટ સ્ક્રીન ગ્લાસ તૂટી ગયો હતો. એસ.ટી બસ પોર્ટ પર બસોના આડેધડ ખડકલા જોવા મળે છે અને આ રીતની ઘટના રોજિંદી બની છે એક્ઝિટ ગેટ પર બોક્સ બનાવી પાર્કિંગ માટે જગ્યા ઉપલબ્ધ કરવામાં આવી છે.
તેમ છતાં બસને અનઅધિકૃત રીતે પાર્કિંગ કરવામાં આવે છે અને બસ પ્લેટફોર્મ પર લગાવવામાં આવે એ પહેલા કલાકો સુધી બસ અનઅધિકૃત પાર્ક કરેલી જોવા મળે છે આ અંગે ડેપો મેનેજર કે ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જની જવાબદારી ખરી કે નહીં ? આ રીતે એસ.ટી બસપોર્ટમાં મન ફાવે ત્યાં આડેધડ વગર પ્લેટફોર્મ અનઅધિકૃત રીતે બસો પાર્ક થશે તો મુસાફરો પર મોતની લટકતી તલવાર છે. અમારી જાણ મુજબ સુરત ડેપોના ડ્રાઇવરને આ અંગે 5,000ની પેનલ્ટી કરવામાં આવી છે ત્યારે ડેપો મેનેજરની કાંઈ જવાબદારી બને કે નહીં ? ડેપો મેનેજર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે તેમ ઉપરોક્ત આગેવાનોએ જણાવ્યું છે