પેટ્રોલ પંપ પર 1 રૂપિયા માટે ફિલરમેન પર હુમલો કરનાર બે ભાઇઓને 6 માસની જેલ
રાજકોટમા 80 ફુટ રોડ પર આવેલ સોમનાથ પેટ્રોલ પંપ પર 4 વર્ષ પુર્વે બાઇકમા પેટ્રોલ પુરાવ્યા બાદ 1 રૂપીયો પરત લેવા મુદે ફીલરમેન પર છરી વડે હુમલો કરવાનાં કેસમા સંડોવાયેલા બાઇક સવાર બંધુને કોર્ટે 6 માસની સજા અને રૂપીયા 3-3 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસ હકીકત મુજબ રાજકોટમા 80 ફુટ રોડ પર સોમનાથ વે બ્રીજ પાસે આવેલ સોમનાથ પેટ્રોલ પંપ પર તા. 29-3-21 નાં રોજ સાંજનાં સાડા છએક વાગ્યાનાં અરસામા જંગલેશ્ર્વરમા રહેતો શાહનવાઝ મહેબુબભાઇ પઠાણ પોતાનુ બાઇક લઇને પેટ્રોલ પુરાવવા માટે ગયો હતો જયા 79 રૂપીયાનુ પેટ્રોલ પુરાવ્યુ હતુ. અને 80 રૂપીયા ફીલરમેન ભરતભાઇ નાથાભાઇ ગોહેલને આપ્યા હતા . 1 રૂપીયો છુટો ન હોવાનુ ફીલરમેન ભરતભાઇ ગોહેલે જણાવતા શાહનવાઝ પઠાણે ઝઘડો કરી બીભત્સ ગાળો ભાંડી જ્ઞાતી પ્રત્યે હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટયો હતો બાદમા શાહનવાઝ પઠાણ તેનાં નાનાભાઇ અકરમ પઠાણને લઇને પેટ્રોલ પંપ પર ધસી આવ્યો હતો. અને જયા ફીલરમેન ભરતભાઇ ગોહેલ પર છરી વડે હુમલો કરી પેટનાં ભાગે છરીનો ઘા ઝીકી દીધો હતો.
હુમલામા ઘવાયેલ ઇજાગ્રસ્ત ફીલરમેન ભરતભાઇ ગોહેલે હુમલાખોર બંને શખ્સો વિરુધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી કે જે કેસ ચાલવા પર આવતા બંને પક્ષનાં વકીલોને રજુઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામા આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતનાં ચુકાદાને ધ્યાને લઇ અધિક સેસન્સ જજ આઇ બી. પઠાણે બંધુ બેલડીને છ માસની સજા અને પ્રત્યેકને રૂપીયા 3 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસમા સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ સંજયભાઇ કે. વોરા અને ફરીયાદી વતી મદદગારીમા ડી. બી. બગડા રોકાયા હતા.