ઉનાળામાં અમદાવાદથી વધારાની બે જોડી ટ્રેનો દોડાવાશે, રાજકોટના મુસાફરોને ઠેંગો
એપ્રીલના અંતથી શૈક્ષણિક સંસ્થાઓમાં ઉનાળુ વેકેશન શરૂ થશે. શાળાઓમાં રજાઓ પડતા મોટાભાગના લોકો પ્રવાસનું આયોજન કરતા હોય છે. જેને લઇ રેલવે દ્વારા બે જોડી ટ્રેન અમદાવાદથી દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ સૌરાષ્ટ્રને ઠેંગો આપવામાં આવ્યો છે. લાંબા અંતરની ટ્રેનો રાજકોટ સુધી લંબાવવાની માંગ પૂરી કરાઇ નથી અને ઉનાળામાં પણ વધારાની ટ્રેન આપવામાં આવી નથી.
રેલવેએ અમદાવાદના અસારવા રેલ્વે સ્ટેશનથી કાનપુર સુધી સીધી ખાસ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. બે જોડી ટ્રેનો 200 થી વધુ ફેરા કરશે. આનો સીધો ફાયદો ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદથી ઉત્તર પ્રદેશ જતા મુસાફરોને થશે. પશ્ચિમ રેલ્વેએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ઉનાળામાં મુસાફરોના વધતા ધસારાને ધ્યાનમાં રાખીને અને મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, બે જોડી ખાસ ટ્રેનો, અસારવા-આગ્રા કેન્ટ ડેઇલી સ્પેશિયલ અને અસારવા-કાનપુર સેન્ટ્રલ વીકલી સ્પેશિયલ, ખાસ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રેન નંબર 01920 અસારવા-આગ્રા કેન્ટ સ્પેશિયલ 02 એપ્રિલ 2025 થી શરૂૂ થઈ છે અને 1 જુલાઈ 2025 સુધી દરરોજ 6:00 વાગ્યે અસારવાથી ઉપડશે. બીજા દિવસે 10:20 વાગ્યે આગ્રા કેન્ટ પહોંચશે. આમ, ટ્રેન નં. 01919 આગ્રા કેન્ટ અસારવા સ્પેશિયલ 01 એપ્રિલ 2025 થી શરૂૂ થઈ હતી અને 30 જૂન 2025 સુધી દરરોજ 23:00 વાગ્યે આગ્રા કેન્ટથી ઉપડશે અને બીજા દિવસે 4:35 વાગ્યે અસારવા પહોંચશે.
ટ્રેન નંબર 01906 અસારવા-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ 08 એપ્રિલ 2025 થી 01 જુલાઈ 2025 સુધી દર મંગળવારે અસારવાથી સવારે 09:15 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 07:00 વાગ્યે કાનપુર સેન્ટ્રલ પહોંચશે. આમ, ટ્રેન નંબર 01905 કાનપુર સેન્ટ્રલ-અસારવા સ્પેશિયલ 07 એપ્રિલ 2025 થી 30 જૂન 2025 સુધી દર સોમવારે કાનપુર સેન્ટ્રલથી સવારે 08:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 05:45 વાગ્યે અસારવા પહોંચશે. પશ્ચિમ રેલ્વે અનુસાર, ટ્રેન નંબર 01920 માટે બુકિંગ તાત્કાલિક અમલમાં છે અને ટ્રેન નંબર 01906 માટે બુકિંગ 03 એપ્રિલ 2025 થી તમામ PRS કાઉન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂૂ થશે.