તલવાર ધરી કર ઝૂઝને કા, રણ દાવ કા પાઠ પઠવતી થી,ઘર અંબિકા થી રણ કાલિકા થી, સોઈ હિન્દકી રાજપૂતાનીયા થી
બંને ભૂજાઓમાં ખડગ ધારણ કરેલ ક્ષત્રિયાણીઓના તલવાર રાસે રાજકોટમાં ‘શક્તિ’નો પરિચય કરાવ્યો
10 વર્ષની બાળાથી લઈને 60 વર્ષ સુધીની સ્ત્રી શક્તિઓ દોઢ મહિનાની સખત પ્રેક્ટિસથી પ્રાચીન વારસા સમાન અદ્ભુત રાસ રજૂ કરે છે
ભગિની સેવા ફાઉન્ડેશન દ્વારા સતત 16માં વર્ષે પ્રાચીન રાસમાં વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.જેમાં તલવાર રાસ એ સૌથી મહત્વની કૃતિ આ વર્ષે પણ ક્ષત્રિય સમાજની મહિલાઓએ તલવાર રાસમાં કાર,બાઈક,જીપ તથા ઘોડી પર બેસી તલવાર રાસ કર્યા હતા. પ્રાચીન પરંપરાનો અજોડ વારસો ભગિની સેવા ફાઉન્ડેશનને જાળવી રાખ્યો છે.
ક્ષત્રિય સમાજની મહિલાઓએ શોર્યદર્શન કરાવી મૉં જગદંબાની અનોખી રીતે આરાધના કરી હતી. દર વર્ષે રાજવી પેલેસ ખાતેના ગ્રાઉન્ડમાં તલવાર રાસ રમાડવામાં આવે છે. જેમાં 10 વર્ષની નાની દીકરીઓથી લઈને 60 વર્ષ સુધીની મહિલાઓ ભાગ લે છે અને પરંપરાગત તલવાર રાસ રમે છે. અને નવરાત્રિમાં માતાજીની આરાધના કરે છે.
નવરાત્રી આવવાના ગણતરીના દિવસો બાકી હોય ત્યારથી દરરોજ ત્રણ કલાક રાજવી પેલેસ ખાતે જ રાણી સાહેબા કાદમ્બરી દેવીની આગેવાનીમાં જ યુવતીઓ અને મહિલાઓને તલવાર રાસની પ્રેક્ટિસ કરવામાં આવે છે અને નવરાત્રી દરમિયાન મહિલાઓ કોઈ પણ જાતના ડર વગર જ ખૂબ જ સહેલાઈથી આ તલવાર રાસ રમે છે. જ્યારે ભગીની સેવા ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં 500થી વધુ દીકરીઓ અને મહિલાઓને તલવાર બાજીની તાલીમ આપી ચૂકી છે.
આ અંગે રાણી સાહેબા કાદમ્બરી દેવીએ જણાવ્યું હતું કે, પરંપરાગત પ્રાચીન રાસનું રાજપેલેસમાં છેલ્લા 16 વર્ષથી આયોજન કરવામાં એવી રહ્યું છે. તલવાર રાસમાં દર વર્ષે નવું ગ્રુપ ભાગ લેતી હોય છે જેથી કરીને દોઢ મહિના જેટલી પ્રેક્ટિસ કરવી પડતી હોય છે. પરંપરાને જાળવી રાખવી જોઈએ સનાતન ધરમાં શસ્ત્રની મહત્વની ભૂમિકા છે. પહેલા શસ્ત્રની કલા યુદ્ધમાં કામ આવતી પરંતુ હવે આ કલા લુપ્ત ન થાય તેના માટે ભગીની સેવા ફાઉન્ડેશન દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે.
ઘોડેશ્ર્વાર ઉપર તલવાર રાસ રજૂ કરનાર નિશિતાબા જાડેજાએ જણાવ્યું કે, તલવાર રાસમાં પહેલેથી ભાગ લેતી હતી પરંતુ આ વર્ષે ઘોડે સવારી સાથે તલવાર રાસનો વિચાર આવ્યો હતો. જેથી એક સપ્તાહ સુધી ઘોડા સાથે તાલ મેળવવાની તાલીમ કરી અને ઘોડા પર તલવાર રાસ કર્યો હતો. તેના માટે બસ ઘોડાનું વર્તન એકવાર સમજાઈ જાય તો બહુ અઘરું પડતું નથી. પરંતુ આ રાસ રમવા સાથે કાળજી પણ એટલી જ રાખવી પડે છે.